• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

મુંબઇમાં મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતનાં નિવેદનો તરફ આખા દેશનું ધ્યાન ખેંચાતું હોય છે. સંઘની સુવર્ણજયંતી નિમિત્તે તેમણે મુંબઇ ખાતે બે દિવસના કાર્યક્રમમાં કહેલી વાતો ખૂબ મહત્ત્વ ધરાવે છે. મોહનજીએ કહ્યું કે, સરસંઘચાલક બનવા માટે કોઇ જ્ઞાતિ-જાતિબાધ નથી. એ બધું પૂર્ણપણે સંગઠન માટેના પ્રદાન પર નિર્ભર છે. એક તરફ તેમણે મતદારયાદી સુધારાની પ્રક્રિયા એસ.આઇ.આર.નું સમર્થન કર્યું. બીજી તરફ સમાન નાગરિક સંહિતા અંગે કહ્યું કે, આમાં બધાને વિશ્વાસમાં લેવા જોઇએ જેથી સમાજમાં કોઇ મતભેદ ન થાય. આરએસએસને રાજકીય દૃષ્ટિકોણથી મૂલવનારાઓ ખાસ તો કોંગ્રેસ નેતાઓ તેને કોમવાદી સંગઠન હોવાના આક્ષેપ કરે છે, પણ સંઘના અને ભાગવત તરફથી રાષ્ટ્રહિતના વિચાર વ્યક્ત થતા રહ્યા છે. આખા દેશને એકસૂત્રથી બાંધીને પ્રગતિના માર્ગે આગળ વધારવાનો આગ્રહ તેમાંથી નીપજતો હોય છે. અગાઉ પણ તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ભારત-હિન્દુસ્તાનમાં રહેતા દરેક નાગરિકને હિન્દુ માનીએ છીએ. સંઘની શતાબ્દી નિમિત્તે દેશભરના શહેરોમાં મોહન ભાગવતના કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. મુંબઇમાં બે દિવસના વિશેષ સંવાદ કાર્યક્રમમાં `નયે ક્ષિતિજ'માં 1200 જેટલા લોકોને નિમંત્રિત કરવામાં આવ્યા હતા. ઉદ્યોગપતિઓ, રમતગમત હસ્તીઓ સાથે હિન્દી સિનેજગતની મોટી હસ્તીઓ, નિર્માતા, નિર્દેશકો, અભિનેતા-અભિનેત્રીઓની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સુભાષ ઘાઇ, પ્રસુન્ન જોશી વગેરે સાથે મોટું માથું એવા સલમાન ખાન પણ સંવાદમાં ઉપસ્થિત રહેતાં તેની પર ચર્ચા ઊઠી છે. સલમાન શા માટે ? એવું પૂછનાર ટીકાકારોને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ જવાબ આપ્યો છે કે, એમાં ખોટું શું છે ? સલમાન મુંબઇના નિવાસી છે અને કોઇ કાર્યક્રમમાં જોડાય એને રાજકીય રંગ આપવાની જરૂર નથી. સલમાને એકાગ્રતાથી ભાગવતજીનું પ્રવચન સાંભળ્યું હતું. સરસંઘચાલકે કહ્યું હતું કે, સંઘ કોઇનો પણ વિરોધ કર્યા વિના દેશ માટે કાર્યરત છે. રાષ્ટ્રીય એકતા પર ધ્યાન કેન્દ્રિત રાખીને સત્તા લાલસા વગર કામ કરે છે. મોહન ભાગવતે એવી પણ સ્પષ્ટતા કરી કે, સંઘ કહેશે તો તેઓ પદ છોડી દેવા તૈયાર છે. સામાન્ય રીતે 75 વર્ષ પૂરાં કર્યા પછી પદ ધારણ કર્યા વિના જ કામ કરવું જોઇએ, પણ તેમને સંઘે જવાબદારી સોંપી છે. તેમણે `એસઆઇઆર'ના અમલ સામે પશ્ચિમ બંગાળમાં થતા ઉગ્ર વિરોધના અનુસંધાને કહ્યું કે, ઘૂસણખોરોના મુદ્દે સરકારે હજુ ઘણું કરવાનું બાકી છે. તેમની ઓળખ કરીને દેશની બહર કરી દેવાની પ્રક્રિયા થવી જોઇએ. અત્રે નોંધનીય છે કે, ભારતની સર્વોચ્ચ અદાલત પણ `એસઆઇઆર' (સર)ની ચૂંટણીપંચની પ્રક્રિયાના સમર્થક છે. એના સામેના તમામ વિરોધને નામંજૂર કરતાં સ્પષ્ટ કહી દીધું છે કે `સર' પ્રક્રિયામાં અવરોધ ચલાવી નહીં લેવાય. આ કામગીરી ઉપર રોક લગાવવાનો સવાલ જ નથી. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને આ વાત સમજી લેવા તાકીદ કરી છે. દરમ્યાન, ભાગવતજીએ નીચા જન્મદરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, એક પરિવારમાં ત્રણ બાળક હોવા જોઇએ પણ પસંદગી લોકોએ કરવાની છે. 

Panchang

dd