ગાંધીધામ, તા.11 : સેન્ટ્રલ ઉ. રેલવે દ્વારા વિવિધ
કોમોડિટીનાં પરિવહન માટે વિવિધ પગલાંઓ લેવાઈ રહ્યાં છે અને સમગ્ર પશ્ચિમ રેલવેનું સાર્વધિક
માલપરિવહન ગાંધીધામ એરિયાથી થઈ રહ્યું છે ત્યારે
ગાંધીધામથી ઉત્તર ભારત સુધી લાકડાંનું
પરિવહન રેલ માર્ગે થાય તે માટે મંથન કરાયું હતું. વેરહાઉસિંગ કોર્પોરેશનના પ્રતિનિધિઓ
અને રેલ અધિકારીઓ વચ્ચે ગાંધીધામથી દિલ્હી અને અન્ય ઉત્તરી ક્ષેત્રો માટે ટિમ્બરનાં
રેલ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે એક બેઠક
યોજાઈ હતી. બેઠકમાં અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક વેદપ્રકાશ, વરિષ્ઠ મંડળ સંચાલન પ્રબંધક ડો. જેનિયા ગુપ્તા, વરિષ્ઠ
મંડળ વાણિજ્ય પ્રબંધક અનુ ત્યાગી, ગાંધીધામના ક્ષેત્રીય રેલ પ્રબંધક
આશિષ ધાનિયા સહિત રેલવેના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત સેન્ટ્રલ વેરહાઉસિંગ
કોર્પોરેશનના પ્રતિનિધિઓ અને કંડલા ટિમ્બર એસોસીએશનના નવ સભ્યએ પણ બેઠકમાં ભાગ લીધો
હતો. બેઠકનો મુખ્ય ઉદ્દેશ ટિમ્બરનાં પરિવહનને રોડ માર્ગથી રેલ માર્ગ તરફ સ્થળાંતર કરવા
માટે પ્રોત્સાહન આપવાનું હતું. ગાંધીધામ એરિયામાં લગભગ 750 સો મિલ છે, છતાં રેલ માર્ગથી ટિમ્બરનું પરિવહન હજુ પણ બહુ
ઓછું છે. રેલ આધારિત ટિમ્બરનાં લાડિંગને પ્રોત્સાહન
આપવા, લોજિસ્ટિક્સ સહયોગને મજબૂત બનાવવા અને સંચાલન સંબંધિત પડકારોના
ઉકેલ માટે વિવિધ વિચારવિમર્શ કરવામાં આવ્યા
હતા. તમામ ભાગીદારોએ ટિમ્બરનાં રેલ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે પરસ્પર સહયોગથી કામ
કરવાની નેમ વ્યક્ત કરી હતી. રેલ માર્ગથી લાકડાંનું
વધુ પરિવહન થવાથી લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધશે, રસ્તાઓ પર ભીડ
ઘટશે અને પર્યાવરણ અનુકૂળ માલ પરિવહનને પ્રોત્સાહન મળશે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.