ભુજ, તા. 11 : ખોટા ખેડૂત ખાતેદાર બની ધર્માદાની
જમીન ઓળવી જવાના કિસ્સામાં સરસપુર ગામના નવ શખ્સને 5.20 લાખનો દંડ ફટકારવા સાથે ધર્માદાની જમીન પરથી તેમના કબજાને દૂર
કરવાનો ઐતિહાસિક હુકમ કરાયો છે. સરસપુર ગામે રેવન્યૂ સર્વે નંબર 131વાળી જમીન મૂળ મચ્છુ માતા ભરવાડ
સમાજની માલિકીની હતી, જેમાં શંકરગર
ત્રિકમભર ગુંસાઇને માત્ર જમીન ખેતી કરવા આપી હતી. જે-તે સમયે તેમનું 7/12માં નામ ચડી ગયું હતું, આ દરમ્યાન તેમનું અવસાન થતાં વારસદારોએ જમીનમાં
વારસાઇ દાખલ કરાવી વેચસાટ કરવાનો પ્રયત્ન કરતાં ભરવાડ સમાજના પ્રમુખે નાયબ કલેક્ટર-ભુજને
અપીલ કરતાં વારસાઇ નોંધ નામંજૂર થઇ હતી. વારસદારોએ કલેક્ટર સમક્ષ રિવિઝન અરજી દાખલ
કરી પણ કલેક્ટરે નાયબ કલેક્ટરનો હુકમ માન્ય રાખ્યો હતો. ગણોતધારાની કલમ હેઠળ કાર્યવાહી
કરવા મામલતદાર ભુજને હુકમ કરાયો હતો. મામલતદારે ધર્માદાની જમીનમાં વારસાઇ દાખલ કરાવી
બિનખેડૂત હોવા છતાં ખેડૂત બનવાનો પ્રસ્તાવ કર્યો હોવાથી 5.20 લાખનો દંડ ફટકારી જમીન પરથી
કબજાને દૂર કરવાનો આદેશ કરાયો છે. જેમને દંડ ફટકારવામાં આવ્યો છે, તેમાં ગુંસાઇ હરસુખગર કેશવગર, વિજયાબેન જગદીશગિરિ ગુંસાઇ, સરસ્વતીબેન તુલસીગિરિ ગુંસાઇ,
નર્મદાબેન ગોવિંદગર ગુંસાઇ, હેમલતાબેન સુરેશગિરિ
ગુંસાઇ, ઉષાબેન રમણીકગિરિ ગુંસાઇ, અરૂણાબેન
રમેશગિરિ ગુંસાઈ, હેમલતાબેન મહેશગર ગુંસાઇ અને કેતનગર મહેશગર
ગુંસાઇનો સમાવેશ થાય છે. મચ્છુ માતા મંદિર અને ભરવાડ સમાજ વતી એડવોકેટ સંદીપ શાહ,
મીરા એસ. શાહ, સતીષ આર. બુદ્ધભટ્ટી, એ.એન. મહેશ્વરી, એમ.વી. પુરાણિયા એમ.વી. ગોહિલે હાજર
રહી દલીલો કરી હતી.