મનજી બોખાણી દ્વારા : ગાંધીધામ, તા. 11 : જિલ્લાના સૌથી યુવાન ગણાતા
આ શહેર, સંકુલને વ્યાપારી શહેર તરીકે ઓળખવામાં આવે છે.
તેનાં નિર્માણ સમયે આધુનિક મશીનરીનો ઉપયોગ કરી તેને વસાવાયું હતું. દીર્ઘદૃષ્ટિથી બનાવાયેલા
આ સુંકલમાં વધતી વસ્તી, સોસાયટીઓ, દબાણો,
ગીચ વસ્તી તેમજ કંડલા બંદર પર ગ્રીન હાઇડ્રોજન, તુણા ખાતે નવું બંદર વગેરેને કારણે વાહનવ્યવહાર વધશે. આ સહિત અન્ય પડકારો ગાંધીધામ
મહાનગરપાલિકાને સામે આવવાના છે, ત્યારે આવા પડકારોને ધ્યાનમાં
રાખીને વિકાસ કરાય તો આગામી સમયમાં આ સંકુલ વધુ ઊજળું બને તેમ છે. - ગ્રીન હાઇડ્રોજન-તુણા પોર્ટનાં
કારણે ટ્રાફિક વ્યવહાર વધશે : દેશના અવ્વલ એવા દીનદયાળ પોર્ટ કંડલા દેશનું
ગ્રીન હાઇડ્રોજનનું હબ બનવા ભણી છે. બીજી બાજુ તુણા પોર્ટ ખાતે નવુ અદ્યતન બંદર હજારો
કરોડના ખર્ચે વિકસી રહ્યું છે. વિકાસનાં આ કામોનાં કારણે ગાંધીધામ સંકુલમાં હાલમાં
છે તેના કરતાં ઘણેઅંશે ટ્રોફિક વ્યવહાર વધવાનો છે તેમજ તેમાં ધંધા, રોજગાર પણ વધશે. અહીં કામ કરનારા લોકો મકાનો
શોધશે અને સોસાયટી વિસ્તારો વધશે, જેથી માનવવસ્તી અને રહેણાક
વિસ્તારોનો પણ વિકાસ થશે જ, આવા પડકારોને ધ્યાનમાં રાખીને આ શહેર
સંકુલ તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભવિષ્યનાં આયોજનો કરવા પડશે, નહીંતર
મ.ન.પા.નો ઢાંચો કડડડભૂસ થવાની સંભાવના જાગૃત લોકો કરી રહ્યા છે. - દબાણો માથાંના દુ:ખાવા સમાન : ગાંધીધામ, આદિપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો જે મ.ન.પા.માં
સમાવાયા છે, તેમાં દબાણોએ માઝા મૂકી છે. અનેક દબાણો ઉપર મ.ન.પા.નું
બુલડોઝર ફરી વળ્યું છે, તેમ છતાં હજુ અનેક જગ્યાએ દબાણો વિકાસમાં
બાધારૂપ બની રહ્યાં છે. અનેક દબાણોવાળી જગ્યાઓની આડમાં ગોરખ ધંધા થતા હોવાનું અનેક
વખત ઉજાગર થઇ ચૂકયું છે. જીડીએ દ્વારા દબાણ હટાવવા કરાયેલી
તૈયારીઓનું સુરસુરીયું થઈ ગયું છે. - વરસાદી પાણીના નિકાલની સમસ્યા દરવર્ષે ઊભી જ હોય છે : ગાંધીધામ-આદિપુરમાં દરવર્ષે વરસાદી પાણીની
સમસ્યા સર્જાય છે અને લોકોનાં મકાનો, દુકાનોમાં વરસાદી પાણી ફરી વળતાં હોય છે, જેના કારણે
લોકોને ભોગવવાનો વારો આવે છે. વર્ષ 2023માં તથા 2008માં અહીં
ભારે જળ હોનારત સર્જાઇ હતી. આવા બનાવો ન બને તે માટે શહેર સંકુલના વ્યાપને પહોંચી વળવા
યોગ્ય આયોજન જરૂરી માનવામાં આવે છે, જેથી વરસાદી પાણીના નિકાલ માટે ખાસ વ્યવસ્થા જરૂરી જણાય છે. - સંકુલના લોકો માટે હરવા-ફરવાની
જગ્યાનો અભાવ : જિલ્લાના આર્થિક પાટનગર એવા આ વિસ્તારમાં
મોટેરા કે બાળકો માટે હરવા-ફરવાની જગ્યાનો અભાવ છે. બાગ-બગીચા છે, તો તેમાં ક્રીડાંગણનાં સાધનો નથી. જ્યાં છે
ત્યાં ક્ષતિગ્રસ્ત હાલતમાં છે. શિણાય પાસે આવેલ શિણાય તળાવ રિવરફ્રન્ટની ગરજ સારે તેમ
છે. જરૂર પ્રયાસની છે, ત્યાં તળાવને વિકસાવી ખાણીપીણીની લારીઓ,
લેકોને હરવા-ફરવા માટે વ્યવસ્થા ઊભી કરી શકાય તેમ છે. બીજી તરફ ગળપાદર
તળાવને પણ વિકસાવી શકાય તેમ છે. બાળકો માટે મનોરંજનની જગ્યાઓ ઊભી કરવાનો પણ તંત્ર સામે
મોટો પડકાર છે. - જોખમ બની
ઝળૂંબતી ઈમારતો હટાવવી જરૂરી : ગાંધીધામ - આદિપુરમાં અનેક જોખમી ઈમારતો
હજુ પણ હયાત છે. અગાઉ આવી જર્જરિત ઈમારતનાં
કારણે બાળકોને પોતાના જીવ ખોવાનો વારો આવ્યો હતો. હજુ પણ ઝૂલતા પુલની જેમ અનેક ઈમારતો
ઝળૂંબી રહી છે. લોકોના જાનમાલની રક્ષા માટે આવી ઈમારતો ત્વરિત હટાવવી ઈચ્છનીય છે. - જળસંચયનાં કામ માટે તંત્ર-લોકો
ગંભીર બને : આજના સમયમાં સૌથી ગંભીર સમસ્યા જળ છે. જળ
વિના જીવન અસંભવ છે તેવામાં વધતા વિસ્તારો, માનવવસ્તીને પાણી પૂરું પાડવા મ.ન.પા.એ કમર કસવી જ પડશે. હાલમાં પણ અનેક વિસ્તારોમાં
15-15 દિવસ સુધી પીવાનું પાણી પહોંચતું
કરી શકાતું નથી, ત્યારે આગામી વર્ષોને ધ્યાનમાં
રાખીને પાણીની વ્યવસ્થા કરાય તે જરૂરી છે. વરસાદી પાણીના સંગ્રહ માટે તંત્ર ગંભીર નથી,
તો બીજી બાજુ લોકોમાં પણ જાગૃતિનો અભાવ છે. વરસાદી પાણીનો સંગ્રહ કરાય
તો કટોકટીના સમયમાં તે ઉપયોગમાં આવી શકે તેમ છે. ભૂગર્ભજળ ઊંડાં ઊતરી રહ્યાં છે,
બીજી બાજુ તેના રિચાર્જિંગના
કુદરતી સ્રોત ઘટી રહ્યા છે. આવામાં તંત્રએ મક્કમ પ્રયાસો કરવા ખૂબ જરૂરી છે. - યોગ્ય આયોજન વગર હાલત બદતર
થવાની છે : આ સંકુલમાં દેશના તમામ રાજ્યના લોકો આવીને
વસ્યા છે, જેથી ભારતની જુદી-જુદી સંસ્કૃતિઓ અહીં એક થઈ
છે. સંકુલ પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ માટે કચ્છના અન્ય શહેર કે ગામોથી જુદું પડે છે.
દીર્ઘદૃષ્ટિ સાથે સંકુલનું નિર્માણ કરાયું હતું, પરંતુ ભૂકંપ
બાદ ઉદ્યોગો, માનવ વસાહત, દબાણો,
વધતા જતા ટ્રાફિકને કારણે સંકુલને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આગામી
20 કે 50 વર્ષને ધ્યાનમાં રાખીને આ સંકુલમાં
કોઈ મોટા ફેરફાર નહીં કરાય તો આગામી દિવસોમાં અહીં હાલત બદતર થવાની છે તેમાં બે મત
નથી.