• શનિવાર, 14 નવેમ્બર, 2026

ભુજના જોવાલાયક સ્થળોએ ઐતિહાસિક ધસારો

સ્મૃતિવન વીસ હજારથી વધુ પ્રવાસીઓએ નિહાળ્યું : વેપાર-ધંધામાં જોવા મળી તેજી

ભુજ, તા. 13 : દિવાળી અને નવા વર્ષથી મિની વેકેશન જેવી સળંગ રજાનો લાભ લઇ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ભુજ શહેર અને આસપાસના વિસ્તારમાં આવેલા પ્રવાસન ધામોમાં ઊમટી પડયા હતા. પ્રાચીન કલાત્મક વારસાને નિહાળવા સાથે પ્રવાસીઓએ વિશ્વના સાત શ્રેષ્ઠ સંગ્રહાલયમાં સ્થાન પામેલા ભુજિયા ડુંગરની તળેટીમાં બનેલાં સ્મૃતિવનને નિહાળી પ્રવાસીઓએ ધન્યતા અનુભવી હતી. પ્રવાસીઓએ સ્મૃતિવન, નૂતન સ્વામિનારાયણ મંદિર, આયના મહેલ, પ્રાગ મહેલ, રક્ષકવન, ભુજોડી સ્થિત વંદે માતરમ્ મેમોરિયલ, કચ્છ મ્યુઝિયમ સહિતનાં સ્થળોની મુલાકાત લીધી હતી. કચ્છની ખુમારી, સંઘર્ષ અને નવનિર્માણની ગાથાને જીવંત કરતા ભુજિયા ડુંગર પર નિર્મિત વિશ્વકક્ષાનાં `સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ' ખાતે પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો. તાજેતરના દિવસોમાં 20,000 જેટલા સહેલાણીઓએ સ્મૃતિવનની મુલાકાત લઈને કચ્છના ગૌરવવંતા ઇતિહાસ અને આધુનિક સ્થાપત્યને નિહાળ્યું હતું. સવારથી જ મુખ્ય પ્રવેશદ્વાર અને રિસેપ્શન કાઉન્ટર પર ટિકિટ મેળવવા માટે પ્રવાસીઓની લાંબી-લાંબી કતારો જોવા મળી હતી. ગુજરાત સહિત દેશભરમાંથી પરિવાર સાથે ઊમટેલા સહેલાણીઓનાં વાહનોથી વિશાળ પાર્કિંગ સંકુલ પણ સંપૂર્ણપણે હાઉસફુલ થઈ ગયું હતું. મ્યુઝિયમના કલાત્મક પ્રાંગણમાં નાના ભૂલકાંઓથી લઈને વડીલો સુધી સૌ કોઈ આ ભવ્ય નજારાને જોઈને દંગ રહી ગયા છે અને યાદગાર ક્ષણોને કેમેરામાં કેદ કરી હતી. કચ્છના રણોત્સવ અને પ્રવાસન સ્થળોની મજા માણવા આવતા દરેક પ્રવાસી માટે સ્મૃતિવન એક `મસ્ટ-વિઝિટ' સ્થળ બની ગયું છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd