સનાતન ધર્મમાં દિવાળી પછી આવતી લાભપાંચમ એક તિથિ
નથી,
પણ આ કોઇ પણ શુભ કાર્ય કરવા માટેનો સપરમો દિવસ છે. જૈન ધર્મમાં લાભપાંચમને
જ્ઞાનપાંચમ તરીકે પણ ઊજવાય છે. જ્ઞાનપંચમીના દિવસે પ્રાચીન હસ્તપ્રતોને બહાર કાઢીને
તેમના દર્શન અને પૂજન કરવાની પરંપરા માત્ર ધાર્મિક વિધિ નથી, તે સદીઓ જૂના જ્ઞાનને આવનારી પેઢીઓ સુધી પહોંચાડવાની એક સાંસ્કૃતિક જવાબદારી
પણ છે. એટલે જ આપણે ત્યાં લાભપાંચમ, જ્ઞાનપાંચમના દિવસે સરસ્વતીની
પૂજાનું અનેરું મહત્ત્વ છે, જે પરંપરા આપણે કચ્છરાજે છેવટ સુધી
જીવંત રાખી હતી.
વિદ્યાની દેવી સરસ્વતી માતાજીનું ભુજનું પ્રથમ
મંદિર મોટી પોશાળ જાગીરમાં આવેલું છે, જે અંદાજિત 450 વર્ષ
જૂનું છે. આ સરસ્વતી મંદિરનું પૂજન જે-તે સમયે રાજપરિવારની વ્યક્તિ જ્યારે અભ્યાસક્રમ
શરૂ કરે ત્યારે મોટી પોશાળ જાગીરમાં મા સરસ્વતીનું પૂજન કરીને પછી એકડો ઘૂંટવાની શરૂઆત
કરતા. ઉપરાંત અનેક વિદ્યાભિલાષી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અહીં લાભપાંચમે સરસ્વતી પૂજન
અને એકડો ઘૂંટવાની શરૂઆત કરવા આવતા અને ગોરજી પરિવારને ગુરુ તરીકેનો દરજ્જો આપતા. આ
બાબતનો ઉલ્લેખ કરતાં મહારાવ મદનસિંહજીએ તેમના પુસ્તક `વતનનો
વાર્તાલાપ'માં પણ કરેલો છે કે, ગોરજી
સરસ્વતી પૂજન બાદ `ૐ નમ: સિદ્ધાયે'નો ગુરુમંત્ર
આપેલો. આ સાંસ્કૃતિક ધરોહરસમું મા સરસ્વતીનું મંદિર આજે પણ મોટી પોશાળ જાગીરમાં પૂજ્ય
છે.
ઉપરની તસવીરમાં ઘોડાગાડીમાં સં. 1890 મહારાવ
વિજયરાજજી પાઠશાળા પ્રારંભમાં મોટી પોશાળ જાગીરમાં એકડો ઘૂંટવા જઇ રહ્યા છે અને મહારાવ
પ્રાગમલજી (ત્રીજા) પાઠશાળા જવાના પ્રારંભમાં મોટી પોશાળા જાગીરમાં જઇ રહ્યા છે તેની
તસવીર છે. આ અલભ્ય તસવીરો મોટી પોશાળ જાગીરની ફાઇલમાંથી મળી છે.
લેખન અને તસવીર અરવિંદ નાથાણી