નવી દિલ્હી, તા. 13 : અંગત
જીવન સાથે જોડાયેલા વિવાદો અને કથિત પ્રેમ સંબંધોનાં ઘટસ્ફોટ વચ્ચે દુનિયાની દિગ્ગજ
ટેક કંપની એનવીડિયામાં મોટું નેતૃત્વ પરિવર્તન થયું છે. કંપનીનાં સીઈઓ જેનસન હુઆંગને
33 વર્ષ
સુધી આ જવાબદારી સંભાળ્યા બાદ આખરે સીઈઓ પદ છોડવાનો વખત આવ્યો છે. તેમનાં રાજીનામાને
પગલે એનવીડિયાનાં શેરમાં કડાકો બોલી ગયો હતો અને જોતજોતામાં જ અબજો ડોલરની શેરમૂડી
સ્વાહા થઈ ગઈ હતી. તેમનાં સ્થાને કામચલાઉ ધોરણે આ જવાબદારી સીએફઓ કોલેટ ક્રેસને સોંપવામાં
આવી હોવાનું કંપનીએ સત્તાવાર ધોરણે જાહેર કર્યુ છે. હુઆંગ કંપનીમાંથી હટી ગયા બાદ તેમનાં
ત્રીજા અનૈતિક સંબંધનો પણ પર્દાફાશ થયો છે. કંપનીની અન્ય એક મહિલા કર્મચારી સાથે પણ
હુઆંગને સંબંધો હોવાનું બહાર આવ્યું છે. આ પહેલા હુઆંગનાં બે લગ્નેતર સંબંધોનાં ખુલાસાએ
ટેકવિશ્વમાં ખળભળાટ મચાવ્યો હતો. આમાં એલિસ હુઆંગ અને કંપનીની હેલ્થકેર વાઈસ પ્રેસિડેન્ટ
કિમ્બર્લી પોવેલનાં નામ સામેલ હતાં. આ ઉપરાંત હુઆંગને એનવિડીયાની અન્ય એક મહિલા કર્મચારી
સાથે પણ મધુર સંબંધો હોવાનું હવે બહાર આવ્યું છે. એનવિડીયા તરફથી હુઆંગનાં રાજીનામાની
સત્તાવાર ઘોષણા પણ કરી દેવામાં આવી છે અને કોલેટ ક્રેસને વચગાળાનાં સીઈઓ તરીકે નિયુક્ત
કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. એનવીડિયા બોર્ડે હુઆંગનાં રાજીનામાની
જાહેરાત સાથે કંપનીનાં પ્રમુખ તરીકે તેમનાં કામની સરાહના પણ કરી છે.