વીજળીની જટિલ સમસ્યા વચ્ચે તમામ રિસોર્ટ ફુલ, રોડ ટુ હેવનથી ધોળાવીરા જંક્શન ઉપર વાહનોનો ખડકલો, સ્થાનિક
રોજગારીની તકો પણ ઊભી થઈ
ધોળાવીરા, તા. 13 : ધોરડો સફેદ રણથી કચ્છનું પ્રવાસન
વિશ્વના નક્શે ચમક્યું છે. તેમાય વિશ્વ ધરોહર ધોળાવીરા, રોડ ટુ હેવનને કારણે કચ્છના પ્રવાસન ઉદ્યોગને નવી પાંખો મળી છે. આમ તો ધોળાવીરા,
રોડ ટુ હેવનમાં બારે મહિના અવરજવર રહે છે, પંરતુ
દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓનું ધોડાપુર ઊમટયું હતું. આ સાથે સ્થાનિક રોજગારીની તકો
પણ ઉપલબ્ધ થઈ રહી છે. ધોળાવીરાના સરપંચ જીલુભા સેઢાએ જણાવ્યું હતું કે, દિવાળી પર્વના આરંભથી લઈને અત્યાર સુધી એક લાખ પ્રવાસી ઊમટી પડયા છે અને હજુ
પણ આંકડો ઓર વધશે તેવી શક્યતા તેમણે દર્શાવી હતી. રજાના દિવસોમાં સતત ધસારાના કારણે
ધોળાવીરાના તમામ રિસોર્ટ ઉપરાંત તમામ ખડીર બેટના વિવિધ ગામડાંઓમાં આવેલા રિસોર્ટ્સ,
હોમ સ્ટે હાઉસફુલ થઈ ગયા છે, જેના કારણે એનક લોકોને
ખાલી ધોળાવીરા અને રોડ ટુ હેવનની મુલાકાત લઈને જ પરત જવું પડયું હતું. રોડ ટુ હેવન
પ્રવાસીઓ માટે જબરું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ધોળાવીરા જંક્શનથી આખા રોડ ઉપર જ્યાં
નજર કરે, ત્યાં કાર, બસ સહિતનાં વાહનો જ
નજરે પડયાં હતાં અને આ આખો માર્ગ પસાર કરતા
બેથી અઢી કલાક જેટલો સમય લાગે તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત રોડ ટુ હેવનથી ધોળાવીરા
જંક્શન સુધીના માર્ગ ઉપર વાહનોની સતત અવરજવરથી અમદાવાદના સીજી રોડ જેવો માહોલ સર્જાયેલો રહ્યો હતો. આ ઉપરાંત સ્થાનિક રોજગારીની વ્યાપક તકો ખુલ્લી હતી. રોડ ટુ
હેવન ઉપર કચ્છી પોષાક સાથે ફોટોગ્રાફી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. હજારો પ્રવાસીએ
કચ્છી પોષાકમાં સજ્જ થઈ રોડ ટુ હેવનની ક્ષણો
કેમેરામાં કંડારી હતી, તો ખડીરના બોર, મીઠાનું
પણ વ્યાપક વેચાણ થયું હતું તેમજ 40 જેટલા ગાઈડ દ્વારા માર્ગદર્શન
આપવામાં આવ્યું હતું તેમ છતાંય અનેક પ્રવાસીઓએ ગાઈડ વિના જ સાઈટની મુલાકાત લીધી હતી.
પ્રવાસીઓના ઘોડાપુર વચ્ચે ખડીર બેટની વીજળી સમસ્યા સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન
હોવાની સ્થિતિ સર્જાઈ છે. સબ સ્ટેશનમાં લાઈન નાખવા માટે અભ્યારણની મંજૂરી મળી ગઈ, પરંતુ હાલ લાઈન નાખવાની કામગીરી અધૂરી મૂકી દેવાઈ હોવાનો આક્ષેપ જાણકારોએ કર્યો
હતો. આજે એક પણ રિસોર્ટમાં જગ્યા નથી તેવી સ્થિતિમાં માત્ર 140 વોલ્ટેજના
કારણે એસી, ફ્રિજ બંધ રહેતાં પ્રવાસીઓ અકળાયા હતા. એ કેટેગરીના
દરજ્જા વચ્ચે આ સ્થિતિથી દેશ-વિદેશના પ્રવાસીઓ વિશ્વ ધરોહર પ્રત્યે નકારાત્મક છાપ લઈને જતા હોવાનું
જાગૃત નાગરિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું.