• શનિવાર, 14 નવેમ્બર, 2026

એકોર્ડ હોસ્પિટલના તબીબોની રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ

ડો. જ્ઞાનેશ્વર રાવની નવી દિલ્હી ખાતે NABHની રાષ્ટ્રીય પરિષદમાં પેનલ ચર્ચા માટે પસંદગી અને ડો. મૈત્રી શાહ દ્વારા AIIMS ખાતે સંશોધનપત્રની રજૂઆત

ભુજ, તા. 13 : કચ્છના આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર એકોર્ડ હોસ્પિટલના તબીબોએ રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત તબીબી પરિષદોમાં ભાગ લઈને પોતાની શૈક્ષણિક પ્રતિભા અને વ્યાવસાયિક કુશળતાનો પરિચય આપ્યો છે. એકોર્ડ હોસ્પિટલના સ્થાપક અને ડિરેક્ટર ડો. જ્ઞાનેશ્વર રાવને નવી દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પરિષદમાં નિષ્ણાત વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જ્યારે હોસ્પિટલનાં પૂર્ણકાલીન એનેસ્થેટિસ્ટ ડો. મૈત્રી શાહે AIIMS, નવી દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદમાં પોતાનું સંશોધનપત્ર રજૂ કર્યું હતું. નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ (NABH), ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા  નવી દિલ્હીની હોટેલ લે મેરિડિયન ખાતે આયોજિત NABH Patient Safety Conference (NPSC 2026)માં ડો. જ્ઞાનેશ્વર રાવને વિશેષ પેનલ વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ રાષ્ટ્રીય પરિષદમાં “AI First or Digital First: What Should Hospitals Prioritize? એટલે કે `હોસ્પિટલોએ સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પ્રાધાન્ય આપવું કે ડિજિટલાઈઝેશનને' જેવા અત્યંત સમકાલીન વિષય પર દેશના અગ્રણી હોસ્પિટલ સંચાલકો અને હેલ્થકેર ટેક્નોલોજીના નિષ્ણાતો વચ્ચે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું.  ડો. રાવે હોસ્પિટલોમાં ડિજિટલ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, દર્દીઓની સલામતી અને ગુણવત્તાયુક્ત સારવારનાં ભવિષ્ય અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે દર્દી કેન્દ્રિત આરોગ્ય સેવા, ડિજિટલ માળખાંની આવશ્યકતા અને તબીબી નિર્ણયોમાં AIના જવાબદાર ઉપયોગના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આ જ રીતે એકોર્ડ હોસ્પિટલ, ભુજનાં પૂર્ણકાલીન એનેસ્થેટિસ્ટ ડો. મૈત્રી શાહે AIIMS, નવી દિલ્હી ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત National Airway Conference (NAC 2026) અને International Airway Management Meeting (IAMM 2026)માં પોતાનું સંશોધનપત્ર રજૂ કરીને કચ્છનું ગૌરવ વધાર્યું છે. ડો. મૈત્રી શાહે મુંબઈની લીલાવતી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ડો. સતીશ કુલકર્ણીનાં માર્ગદર્શન હેઠળ આ સંશોધન હાથ ધર્યું હતું. આ અભ્યાસમાં જનરલ એનેસ્થેસિયા દરમિયાન શ્વાસનળીમાં ટયુબ દાખલ કરવાની પ્રક્રિયા મુશ્કેલ બની શકે તેવા દર્દીઓની અગાઉથી ઓળખ કરવા માટે ગરદનના ઘેરાવ અને હડપચીથી થાઇરોઇડ કાર્ટિલેજ સુધીના અંતરના ગુણોત્તરનો ઉપયોગ કેટલો મદદરૂપ થઈ શકે તે અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો. કચ્છ જેવા સરહદી જિલ્લામાં કાર્યરત હોસ્પિટલના તબીબો રાષ્ટ્રીય સ્તરની વૈજ્ઞાનિક ચર્ચાઓ અને સંશોધન પ્રવૃત્તિઓમાં યોગદાન આપી રહ્યા છે, તે સમગ્ર કચ્છનાં આરોગ્ય ક્ષેત્ર માટે ગૌરવની બાબત છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd