બીચની સાથે આસપાસનાં ધામો પણ લોકોથી ઊભરાયાં; ટ્રાફિકજામનાં દૃશ્યો
માંડવી, તા. 13 (દેવેન્દ્ર
વ્યાસ દ્વારા) : નબળાં વર્ષ અને મોંઘવારીના માર વચ્ચે નવાં વર્ષની પધરામણી અહીં વેપાર-ધંધા
માટે શુકનિયાળ ચાંદલો કરી નવાજી હોય એવો સૂર સાંભળવા મળ્યો હતો. દિવાળીથી ભાઇબીજ લગી
રમણીય દરિયા કિનારે સેંકડો જૂનાં વત્રોના વેપલાના મોટા પથારા થકી પુરાણાં કપડાંની ખરીદી-વેચાણનો
મેળો જામ્યો. મોં માગ્યા ભાવ માંગવા છતાં શહેરની હોટેલ્સ, ગેસ્ટ હાઉસ મોટાભાગે `પેક' રહ્યા, ઠેરઠેર ટ્રાફિકજામ, બીચ
રસ્તે માનવ મહેરામણના હિલોળા, ખાણી-પીણીના ધંધાર્થીઓના ઠેકાણે
તડાકો થતાં બેસતું વર્ષ શરૂઆતી શુકનિયાળ જાણવા મળ્યું હતું. હોટેલ્સ એસો.ના પ્રમુખ
મુકેશભાઇ સોલંકીએ કહ્યું કે, એડવાન્સ બુકિંગમાં નોંધપાત્ર સુસ્તી
છતાં મોટા દિવસોમાં પ્રવાસીઓ ઊમટી પડતાં મોટાભાગે હોટેલ્સ, ગેસ્ટ
હાઉસ `ફુલ' પેક-નસીબ થયાં. શહેરમાં વીસેક આસપાસ હોટેલ્સ, ગેસ્ટ હાઉસ
ઉપરાંત જ્યાં સગવડ સુલભ બની ત્યાં સર્વત્ર મોં માગ્યા ભાવે ધંધો મળ્યો છે. વધુ એકવાર
વૈકલ્પિક માર્ગના અભાવે, બાયપાસ હજુ નિર્માણાધીન હોવાથી અને સમાંતર
બીચ લિન્ક રોડના અભાવે અસહ્ય ટ્રાફિકજામથી શહેરીજનો, વાહનચાલકો
ત્રાસ્યા હતા. રમણીય વિન્ડફાર્મ બીચ ઉપર ઘોડેસવારી, ઊંટ સવારી,
રાઇડિંગ, ખાણી-પીણી વગેરે મારફતે પેટિયું રળનારાઓઁના
ચહેરાને દીપોત્સવ ચમકાવી ગયો. સ્થાવર મિલકતમાં રોકાણકારો, ઘરાકીએ
પોંખણા કર્યા હતા. ચેમ્બરના પ્રમુખ વાડીલાલ દોશીએ કહ્યું હતું કે, છેલ્લા દિવસોએ દીપોત્સવને દીપાવ્યો. માંડવીના અર્થતંત્રની ક્ષિતિજો વિસ્તારવા
માટે ઘણી સંભાવનાઓ તરફ આંખો મંડાયેલી છે. માંડવીના દરિયાકાંઠે તથા નજીકમાં આવેલ વિજય
વિલાસ પેલેસ ખાતે પ્રવાસીઓનો ધસારો ખૂબ વધ્યો હતો અને ગાડીઓની કતારો સાથે પ્રવાસીઓ
ઊમટયા હતા.