ગાંધીધામ, તા. 10 : સુપ્રીમ કોર્ટ દ્વારા ફૂટપાથ
ઉપર પગે ચાલવાવાળાઓ માટે જગ્યા ખુલ્લી રાખવા માટે કહેવામાં તો આવ્યું છે, પરંતુ ગાંધીધામમાં અતિક્રમણ અને ફૂટપાથ ઉપર
દબાણો તેમજ આર્કેડમાં માલસામાન રાખી દેવામાં આવતો હોવાથી લોકો ચાલી શકતા નથી,
હવે મહાનગરપાલિકાનું તંત્ર કોર્ટની સૂચનાનું પાલન કરીને કાર્યવાહી કરશે
કે નહીં તે પણ એક પ્રશ્ન છે. સંકુલના સ્વપ્નદૃષ્ટા ભાઈપ્રતાપ ડિયલદાસે બહુ વ્યવસ્થિત
આયોજન સાથે જોડિયા શહેરોની રચના કરી હતી. લોકોને ઉનાળામાં તડકો ન લાગે તો ચોમાસાંમાં
વરસાદથી લોકો ભીંજાય નહીં અને નજીકથી જ દુકાનની ઓળખ થઈ શકે તે માટે આર્કેડ બનાવવામાં
આવ્યું હતું. પાર્કિંગ તથા પગપાળા ચાલવાની જગ્યા ઉપરાંત પાણી નિકાલ તેમજ રોડની પહોળાઈ
વિશાળ રાખવા સહિતની વ્યવસ્થાઓ સાથે જોડિયા શહેરોને સુંદરતા પ્રદાન કરે તેવું આયોજન
ઘડીને બંને શહેરોનું નિર્માણ કર્યું હતું, પરંતુ ખાટલે મોટી ખોટ
એ છે કે, દર વર્ષે માર્ગો સાંકડા થતા ગયા, દબાણો વધતાં ગયાં અને આર્કેડ દબાવવામાં આવ્યું એટલે લોકો માટે પગપાળા ચાલવાની
કોઈ વ્યવસ્થા રહી નથી. સ્વ. ભાઈપ્રતાપનાં સપનાં મુજબના શહેર રહ્યા નથી. આ બધી અવ્યવસ્થાઓનાં કારણે લોકોને
પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તત્કાલીન કમિશનર મનીષ ગુરુવાણી ગાંધીધામ મહાનગરપાલિકાનો
ચાર્જ સંભાળ્યા પછી આર્કેડ ખાલી કરાવ્યું હતું, ઉપરાંત દબાણો
હટાવ્યાં હતાં અને માર્ગો પહોળા કર્યા હતા અને નવા માર્ગોનું નિર્માણકાર્ય શરૂ કર્યું
હતું, પરંતુ તેમની બદલી પછી આખો વહીવટ ખાડે ગયો છે. હાલના સમયમાં
પગપાળા ચાલવા માટે ફૂટપાથ ખુલ્લી નથી. દબાણો વધતાં જાય છે, તેવામાં
સુપ્રીમ કોર્ટ દ્વારા પગપાળા ચાલવા માટે ફૂટપાથ ખૂલી રાખવાની સૂચના આપવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા મુખ્ય બજાર ઉપરાંત પાલિકા રોડ, ક્રોમા સેન્ટરથી
અપનાનગર ચાર રસ્તા, ગુરુકુળ વિસ્તાર, ઉપરાંત
આદિપુરના અલગ-અલગ વિસ્તારોમાં ફૂટપાથ ઉપર થયેલાં દબાણ હટાવવામાં આવશે કે કેમ
?, આર્કેડ ખુલ્લું કરાવાશે ? અને માર્ગો ઉપર પડેલા
ખાડાઓને મરંમત કરવામાં આવશે કે કેમ તે સહિતના યક્ષ પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે.