રાપર, તા. 10 : દબાણમુક્ત ફૂટપાથ આપવાનો સરકારને
નિર્દેશ અપાયો છે, ત્યારે જાણે
કે રાપરમાં ક્યાંય દબાણમુક્ત તો શું, ફૂટપાથ કહી શકાય તેવી જગ્યા
જ રહી નથી. ભૂકંપ બાદ રાપરના સુવ્યવસ્થિત ટાઉન પ્લાનિંગ માટે રાપર વિસ્તાર વિકાસ સત્તા
મંડળ (રાડા) અસ્તિત્વમાં આવ્યું, પણ કોઈ ફૂટપાથ કે પાર્કિંગનો
નિયમ જાણે કે વિસરાયો હોય તેમ ક્યાંય ન તો વ્યવસ્થિત ફૂટપાથ બની કે ન કોઈ પાર્કિંગ
એરિયા. ભૂકંપ ઝોનમાં આવતાં રાપરમાં 70 ટકા પ્લોટમાં જ બાંધકામ કરીને 30 ટકા જમીન ખુલ્લી રાખવી, શાપિંગ સેન્ટર માટે દુકાનધારકો માટે પાર્કિંગ
અને દુકાન અને રોડ વચ્ચે રાહદારીઓ સુરક્ષિત જઈ આવી શકે એ માટે ફૂટપાથનો તો છેદ જ ઊડી
ગયો હોવાનું વર્તમાન પરિસ્થિતિ જોતાં લાગી રહ્યું છે. બજારમાં કે જાહેર રોડ પર જ્યાં
જ્યાં ફૂટપાથ બની છે એ પણ મિલકતધારકોએ શેડ, માલસામાન,
વાહનો પાર્ક કરીને કે લારીવાળા અને ફેરિયાઓને ભાડે આપીને દબાવી દીધી
છે. નગરપાલિકા, રાડા, પોલીસ અને માર્ગ મકાન
વિભાગ સહિતનાં જવાબદાર તંત્રો મૂકપ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે. જાણે કે અમારે શું
! એક તો ક્યાંય પાર્કિંગની સુવિધા નહીં હોવાથી આડેધડ અડધા રસ્તા સુધી વાહનોનો ખડકલો
અને કાયદેસરની દબાણમુક્ત ફૂટપાથ નહીં હોવાથી રાહદારીઓ પોતાનાં જોખમે ટ્રાફિકવાળા રસ્તે
ચાલતા હોય છે. આને લીધે ઘણીવાર રસ્તે ચાલતા નિર્દોષ લોકો વાહનોની અડફેટે આવીને જીવ
ખોતા હોય છે, તો ઘણાબધા આજીવન ખાટલાવશ થતા હોય છે. એમાંના અમુક
કિસ્સામાં પોલીસ ફરિયાદ થતી હોય છે, જ્યારે ઘણાખરા કિસ્સામાં
ઘરમેળે પતાવટ થતી હોય છે. ક્યાંક કોઈ ચાલવા જેવી જગ્યા દેખાય ત્યાં લારીવાળા કે ફેરિયા
ગોઠવાઈ જતા હોય છે અને જાણે કે તેમના પર દયા ખાતા હોય તેમ ઉપરોક્ત તંત્રવાહકો આંખ આડા
કાન કરતા હોય છે. આખા રાપરમાં ક્યાંય દબાણમુક્ત ફૂટપાથ રહેવા દીધી નહીં હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.