• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

ભુજની ફૂટપાથ ધંધાર્થીઓના કબજામાં

ભુજ, તા. 10 : આ શહેરમાં પગપાળા ચાલનારા લોકો માટે માર્ગેની સમાંતર ફૂટપાથ નિર્માણ કરાય છે, પણ તેના પર દબાણકારો નાસ્તાની લારી-કેબિનો ખડકીને અતિક્રમણ કરતા હોવાથી ટ્રાફિક સમસ્યા વિકરાળ બનવા સાથે નાગરિકો જીવના જોખમે માર્ગો પર ચાલવા મજબૂર બન્યા છે. આ બાબત ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને રાહદારીઓ માટે દબાણમુક્ત જગ્યા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપતાં તેને પગલે વહીવટી અને પાલિકા તંત્રો સક્રિય થયા છે. ભુજમાં સમયાંતરે ચાલતી કામગીરી બાદ ફરી દબાણો થઈ જતાં જોવા મળે છે. હવે જિલ્લાના કલેક્ટરે આ મુદ્દો હાથમાં લઈને સૂચના આપતાં દબાણકારોને અન્યત્ર જગ્યા આપવા મેપ-માર્કિંગ કાર્યવાહી આરંભાતાં ફૂટપાથ ખરા અર્થમાં  પગે ચાલવાનો પથ બનવાની આશા જાગી છે. ભૂકંપ બાદ ભુજના વિકાસકામોમાં મુખ્યમાર્ગો અને રિલોકેશન સાઈટોના રસ્તાઓની સમાંતર ફૂટપાથ બનાવાઈ, પણ સમય જતાં સ્થિતિ એવી થઈ છે કે, ફૂટપાથ તો ઠીક તેની બાજુના રસ્તાની સાઈડો પણ દબાણમાં લઈ લેવાયા છે. ખાણી-પીણીની લારીઓ ઉપર સવાર અને વિશેષ તો સાંજે દ્વિચક્રીય વાહનોવાળા બિનધાસ્ત રસ્તો રોકીને ઊભા રહેતા હોવાથી અન્ય દ્વિચક્રી સહિતની ગાડીઓ અને એમ્બ્યુલન્સોને પણ સડસડાટ નીકળવું શક્ય નથી લાગતું. હોસ્પિટલ રોડ, બસ સ્ટેશન, છઠ્ઠીબારી રિંગરોડ, જી.કે. જનરલ હોસ્પિટલ સામે સહિતના માર્ગોની આવી હાલત વર્ષોથી લોકો હૈયાવરાળ ઠાલવવા સાથે ભોગવતા રહ્યા છે. નગરપાલિકા દ્વારા દબાણ હટાવની કામગીરી સંભાળતી એનયુએલએમ શાખાના કિશોરભાઈ શેખાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, આ સંદર્ભે થોડા સમય પહેલાં કાર્યવાહી હાથ ધરી અલગ-અલગ જગ્યાએ ટ્રાફિક થાય છે, ત્યાં ફૂટપાથ રોકીને ઊભતા ધંધાર્થીઓને ખસેડવા આયોજન હાથ ધરાયું છે. જેનો જિલ્લા કલેક્ટર મારફતે સર્વે કરાઈ રહ્યો છે. ભાડાના કારોબારી ચેરમેન અને પ્રાંત અધિકારી અનિલ જાદવે જણાવ્યું કે, વેન્ડિંગ ઝોન મેપ અને માર્કિંગ કામગીરી ચાલુ છે, અઠવાડિયામાં નવા સ્થળ અંગેજિલ્લા કલેક્ટરને અહેવાલ સોંપાશે.સ્ટ્રીટ વેન્ડર એસો. કચ્છના પ્રમુખ મયૂર ગોરે જણાવ્યું કે, 15 દિવસ અગાઉ ફેરિયાઓને હટાવવા પહેલાં જગ્યા આપી રોજગારીનો પ્રશ્ન ઊભો ન થાય એ જોવા પત્ર લખી રજૂઆત કરાઈ છે. જાગૃત નાગરિકોએ સવાલ ઉઠાવ્યો છે કે, સંગઠન દ્વારા વેન્ડર પોલિસીના નામે અધિકારો માટે માંગ કરે છે ત્યારે લોકોને ચાલવા માટેની હોકર્સ પોલિસીનું શું? ભુજની ભાગોળે શહેર જેટલી વસ્તી ધરાવતાં બંને માધાપર ગામ ખાતે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ તાજેતરમાં રસ્તા દબાણમુક્ત કરવા સૂચના આપી હતી. તે બાબતે માધાપર નવાવાસ તલાટી લખધીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત દબાણો દૂર કરાવી દેતાં ચોખ્ખું થઈ ગયું છે, જ્યારે માધાપર જૂનાવાસ તલાટી વિમલ ગુંસાઈએ જણાવ્યું કે, અગાઉ નવ બાદ વધુ બેને ફૂટપાથ દબાણો ખાલી કરવા નોટિસો અપાઈ છે. દુકાનદારોને પણ ફૂટપાથ પરથી તેમનો સામાન લઈ લેવા મૌખિક સૂચના અપાશે.

Panchang

dd