મુંદરા, 28 : મુંદરા તાલુકામાં તાલુકા પંચાયત
અને નગરપાલિકાનાં પરિણામોમાં આ વખતે કેસરિયા પક્ષનું તો પુનરાવર્તન થયું જ છે, પણ આ બે સામાન્ય પરિબળ ઉપરાંત પરિણામમાં આશ્ચર્ય
એ વાતનું છે કે, બંનેએ બેઠકમાં પોતાની બેઠકોની સંખ્યા પણ 2021ની ચૂંટણી પ્રમાણે જાળવીને
ઇતિહાસ રચ્યો છે. મુંદરા નગરપાલિકાએ 2021નાં પરિણામ પ્રમાણે 28માંથી 19 બેઠક અને
કોંગ્રેસે નવ બેઠક મેળવી હતી. એ જ પ્રમાણે 2026માં જળવાઈ રહ્યું હતું, તો તાલુકા પંચાયતની કુલ 18 બેઠકમાં પણ કમળે પાંચ વર્ષ
પહેલાંની સ્થિતિ મુજબ જ 10 બેઠક જાળવી
હતી, તો
કોંગ્રેસે આઠ બેઠકમાં જીત મેળવી હતી. જો કે, બંનેમાં પેટા ચૂંટણી
થઈ અને એક-એક બેઠક વધી હતી. બીજીતરફ જો કે,
તાલુકા પંચાયતમાં બેઠકોમાં ઊથલપાથલ થઈ હતી. ભાજપની તા.પં.માં સત્તા આવી,
પણ વર્ચસ્વવાળા વિસ્તાર પણ આ વખતે કમળે અહીં ગુમાવી દીધા છે. બીજો એક
અપસેટ સમાઘોઘામાં પણ જોવા મળ્યો છે,
જેમાં કોંગ્રેસનાં મત 100ની અંદર માત્ર 85 મત રહ્યા છે, તો અપક્ષ કિરીટાસિંહ જાડેજાએ 827 મત આંચક્યા હતા. જો કે, વિજય કેસરિયા પક્ષનો જ થયો હતો. પાંચ વર્ષ પહેલાંની સ્થિતિની સરખામણી કરવામાં
આવે તો ભાજપ કોંગ્રેસની ત્રણ-ત્રણ બેઠક ઊથલી થઈ ગઈ છે. ભાજપે લુણી, સમાઘોઘા અને મોટા કપાયા બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે, તો કોંગ્રેસે ભુજપર-1, નાના કપાયા-1 અને નાના કપાયા-2 બેઠક ભાજપ પાસેથી છીનવીને તેમના લગાવેલા `જોર'ને સાબિત કર્યું છે, જ્યારે ભાજપે છસરા, દેશલપર કંઠી, ગુંદાલા, લાખાપર,
મોટા કાંડાગરા, સમાઘોઘા અને પોતા પાસે જાળવી રાખી
છે, તો કોંગ્રેસે ભદ્રેશ્વર, મોટી ભુજપર-2, ઝરપરા-1, ઝરપરા-2 અને સાડાઉ બેઠક પર કબજો કરવાનાં કમળના પ્રયાસો
નાકામ કર્યા હતા. જો કે, પેટા ચૂંટણી
બાદ મોટી ભુજપર ભાજપે વચ્ચેથી જ જીતી લીધી હતી. જે ફરી કોંગ્રેસ પાસે ગઈ છે. બીજે,
સવારે આર.ડી. ટ્રસ્ટની શાળાના સંકુલમાં તાલુકા અને જિલ્લા પંચાયતની મતગણતરી
શરૂ થતાં પહેલાં જ ગામેગામથી મેદાનમાં લોકો ઊમટયા હતા અને જીત બાદ હારતોરા અને ખુલ્લી
જીપમાં સરઘસાકારે સમર્થકો સાથે પોતાના ગામે
પહોંચતા દેખાયા હતા. કેટલાક ઉમેદવારો જીતના આનંદમાં નાણાંની થોકડી બહાર કાઢીને ઉડાડતા
પણ નજરે પડયા હતા, તો કેટલાક સિનિયર રાજકીય નેતાઓ લડયા નહોતા,
પણ હાર- જીતમાં મહત્ત્વની ભૂમિકામાં હતા અને શા માટે મત વધ્યા કે ઘટયાની
મથામણ કરતા હતા.મુંદરા તા.પં.માં નોંધપાત્ર બાબત એ દેખાઈ કે, અસંતુષ્ટો પરિણામ ફેરવવા સક્ષમ છે, એને નજરઅંદાજ ન કરી
શકાય. શહેરમાં પક્ષનું નામ કામ કરે, પણ ગ્રામ્ય મતદાનમાં વ્યક્તિ
પણ મજબૂત રહી શકે છે. તા.પં.માં એકંદરે દ્વિપક્ષીય મુકાબલો દેખાયો હતો. જો કે, લુણીમાં `આપ' ને 370, છસરામાં `આપ'ને 273 અને સાડાઉમાં `આપ'ને 368 મત મળ્યા હતા. મોટા કપાયામાં
કોંગ્રેસે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી, પરંતુ અપક્ષે નોંધપાત્ર રીતે 836 મત મેળવ્યા હતા. જીત બાદ પ્રતિક્રિયામાં તાલુકા ભાજપ પ્રમુખ
શક્તાસિંહ જાડેજાએ કહ્યું કે, પ્રજાએ
કમળ પર ત્રીજી વખત વિશ્વાસ મૂક્યો છે. તા.પં.માં અગાઉ સકારાત્મક કામ કર્યા છે ને કરતા
રહેશું. આ જીત ભાજપના સમગ્ર કાર્યકર્તાને આભારી છે, તો તાલુકા
કોંગ્રેસ પ્રમુખ વિરમ સાંખરાએ કહ્યું કે, સત્તા ન મળી,
પણ વોટ શેર ઘણો વધ્યો છે અને કોંગ્રેસ પર વિશ્વાસ મૂકનારાને આભારી છીએ.