રાપર, તા. 28 : વાગડમાં રાપર તાલુકા પંચાયતની
24 બેઠક પૈકી ગયા વખતની માફક જ
સતત ચોથી ટર્મમાં 21 બેઠક સાથે
સત્તાનું સુકાન યથાસ્થિતિએ જાળવી રાખ્યું હતું, જ્યારે તાલુકાની ભીમાસર જિલ્લા પંચાયત હસ્તકની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારની
જીતથી તાલુકાના રાજકારણમાં અપસેટ સર્જાયો છે. ગયા વખતે આ બેઠક કોંગ્રેસ પાસે હતી. સામે
કોંગ્રેસને એક બેઠકના નુકસાન સાથે માત્ર બે બેઠકથી જ સંતોષ માનવો પડયો છે. આજે સવારે
રાપરમાં મોડેલ સ્કૂલ ખાતે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરાઈ હતી. વિજેતા ઉમેદવારોને વધાવવા માટે
ટેકેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રથમ આડેસરની મતગણતરી હાથ ધરાઈ હતી અને પ્રથમ
બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારની 212 મતે જીત થતાં સોપો પડી ગયો હતો. મતગણતરી કેન્દ્રમાં આમ આદમીના
કોઈ ટેકેદારો પણ જીતની ઉજવણી કરવા માટે હતા નહીં. જો કે, ત્યાર બાદ ખૂલેલી પેટીઓમાં ભાજપની જીતની શરૂઆત
થઈ હતી. વચ્ચે બાદરગઢ અને ફતેહગઢ બેઠક જે ભાજપ પાસે હતી તે કોંગ્રેસે આંચકી હતી. આડેસરની
બેઠક કોંગ્રેસ પાસે હતી, તે આમ આદમી પાર્ટીએ ઝૂંટવી લીધી હતી.
તો ગત ટર્મમાં કોંગ્રેસે જીતેલી માણાબા અને
ઘાણીથર બેઠક ઉપર ભાજપે જીત નોંધાવી હતી. આમ આદમી પાર્ટીની જીતને રાજકીય પંડિતો વાગડના
રાજકારણમાં મોટો અપસેટ થયો હોવાનું કહી રહ્યા છે. જિલ્લા પંચાયતની પાંચ બેઠક અને તાલુકા
પંચાયતની 21 બેઠક ઉપર
જીત મેળવતાં કેસરિયા બ્રિગેડમાં હર્ષની લાગણી પ્રસરી છે. ઉમેદવારો વિજેતા બન્યા બાદ
મતગણતરી કેન્દ્ર ખાતે જ ઢોલના તાલે જીતની ઉજવણી કરાતી હતી.