ભુજ, તા. 28 : છ એક વર્ષ પૂર્વે કચ્છ જિલ્લા
પંચાયતમાં બે ઠેકદારો વચ્ચે થયેલી મારામારીના બનાવમાં આરોપી સુરેન્દ્રસિંહ ઉર્ફે સુરુભા
ગોપાલજી ઝાલા (ભુજ)ને છ માસની સાદી કેદની સજા તથા રૂા. 1400નો દંડ ફટકારતો ચુકાદો અદાલતે
આપ્યો છે. ગત તા. 24/11/2020ના
જિલ્લા પંચાયતની બાંધકામ શાખાના રૂમમાં આરોપી સુરેન્દ્રસિંહે ફરિયાદી નીલેશભાઈ જયસુખભાઈ
ઠક્કર સાથે અગાઉની અરજી બાબતે મનદુ:ખ રાખી બોલાચાલી કરી પોકર પંચ તથા હાથો-લાતો વડે
ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે જે-તે સમયે વિવિધ કલમો તળે, ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં આરોપી સુરેન્દ્રસિંહ
ઉર્ફે સુરુભા ગોપાલજી ઝાલાને ચીફ જ્યુ.મેજિ. એમ.એમ. કુરેશીએ જુદી-જુદી કલમોમાં તકસીરવાન
ઠેરવી કુલ મળીને છ માસની સાદી કેદ તથા કુલ રૂા. 1400નો દંડ અને દંડ ન ભરે તો વધુ
15 દિવસની કેદનો હુકમ કર્યો છે.
સરકાર તરફે સરકારી વકીલ આર.આર. પ્રજાપતિ હાજર રહી દલીલો કરી હતી.