ગાંધીધામ, તા. 27 : રાપર શહેરમાં માનવતાને
શરમાવે તેવા બનાવમાં ન્યાયપાલિકાએ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. એક મનોદિવ્યાંગ સગીરાને
બાવળની ઝાડીમાં લઇ જઇ તેના પર બળાત્કાર ગુજારનારા શખ્સને ન્યાયાલયે 20 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારતો ધાક બેસાડતો
ચુકાદો આપ્યો હતો. રાપર નગરમાં આ વર્ષની પહેલી તારીખે આ જઘન્ય બનાવ બન્યો હતો. કિશોરીના
માતા-પિતા મજૂરીએ ગયા હતા ત્યારે બહેન અને નાનો ભાઇ ઘરે એકલા હતા. દરમ્યાન શિવા મોહન
ખેતા કોળી (પારકરા) નામના શખ્સે મનોદિવ્યાંગ બાળકીને લલચાવી, ફોસલાવી પેટ્રોલપંપ પાછળ આવેલી બાવળની
ઝાડીઓમાં લઇ ગયો હતો, જ્યાં તેણે કિશોરી ઉપર બળાત્કાર ગુજાર્યો
હતો અને તેની ડોડી લઇને નાસી ગયો હતો. ભોગ બનનારના માતા-પિતા સાંજે ઘરે આવતાં બાળકી
ક્યાંય ન મળતાં તેની શોધખોળ કરાઇ હતી. બાદમાં બાવળની ઝાડીમાંથી બાળકી રડતી હાલતમાં
મળી આવી હતી. શિવો ઘરની આસપાસ આંટા મારતો હોવાનું અને તે બહેનને લઇ ગયો હોવાનું નાના
ભાઇએ જણાવ્યું હતું. દરમ્યાન કણસતી બાળકીને સારવાર અર્થે લઇ જવાઇ હતી. તા. 1/1ના બનેલા આ બનાવ અંગે પોલીસે તા. 6/1ના ગુનો નોંધી પૂરતા પુરાવાનાં પગલે આરોપી શિવા પારકરાને
પકડી પાડયો હતો અને તમામ પુરાવા એકત્ર કરી તેની સામે ભચાઉની પોક્સો વિશેષ ન્યાયાધીશની
કોર્ટમાં તા. 18/1ના ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ચાર્જશીટના 99 દિવસમાં ન્યાયાલયે 17 મૌખિક નિવેદન અને 34 જેટલા જુદા જુદા દસ્તાવેજી
પુરાવાઓ ચકાસ્યા હતા અને સરકારી વકીલની ધારદાર રજૂઆતોને ગ્રાહ્ય રાખી આ શખ્સ શિવા કોળીને
તકસીરવાન ઠરાવ્યો હતો. બાળકોના જાતીય ગુનાઓથી રક્ષણ અધિનિયમ 2012ની જુદી જુદી કલમો તથા ડોડી લઇ જવાની એમ કુલ 20 વર્ષની સખત કેદનો ધાક બેસાડતો ચુકાદો ન્યાયાધીશ દ્વારા
આપવામાં આવ્યો હતો તેમજ કુલ રૂા. 16,000નો
દંડ ફટકારવામાં આવ્યો હતો અને દંડની રકમ ન ભરે તો વધુ સાદી કેદનો હુકમ કરાયો હતો. દંડની
રકમ ભોગ બનનારના માતા-પિતાને વળતર તરીકે ચૂકવવા આદેશ કરાયો હતો તેમજ જિલ્લા કાનૂની
સેવા સત્તામંડળ પીડિતને વળતર યોજના હેઠળ પાંચ લાખનું વળતર આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો
હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ હાજર રહી તર્કબદ્ધ
રીતે દલીલો કરી હતી.