કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : 26મી જાન્યુઆરી, 2001ના ભયાવહ
ભૂકંપને હજુ છ- આઠ દિવસ જ વીત્યા હતા. ચોમેર આઘાત,
સંતાપ, આક્રંદનો માહોલ... અભૂતપૂર્વ કુદરતી આફતમાંથી
બેઠા થવાનું મનોબળ લોકો એકઠું કરી રહ્યા હતા. એ દિવસોમાં ભુજના મદનસિંહજી પાર્કમાં
કચ્છ નવનિર્માણ અભિયાનની પહેલથી સંકલન કેન્દ્ર ધમધમતું હતું... કચ્છ તરફ સહાનુભૂતિનો
દરિયો ઊમટયો હતો. દેશ-વિદેશથી સંસ્થાઓ મદદ માટે પહોંચવા લાગી હતી. સરકારના વિવિધ વિભાગના
અધિકારીઓ માટે પણ જાણે એ અનૌપચારિક કચેરી હતી. ત્યારના કલેક્ટર શ્રી છિબ્બર,
જીઇબીના ચેરમેન નલીન ભટ્ટ... એ બધા પણ ત્યાં આવે... અભિયાન-સેતુ કાર્યકર્તાઓનાં
માધ્યમથી કચ્છના જુદા-જુદા વિસ્તારની માહિતી એકત્ર કરી કે ક્યાં શેની જરૂર છે... બહારથી
ચીજવસ્તુ, કપડાં, ખોરાક... શું આવ્યું...
જ્યાં જેની જરૂરત હોય એ તરફ સંસ્થાઓને તેમની રાહત સામગ્રી સાથે વાળી દેવામાં આવે...
એ પાર્કમાં મહિનાઓ સુધી સંકલન કેન્દ્ર ધબકતું
અને આ લખનાર માટે કેટકેટલીય હ્યુમન સ્ટોરી-અહેવાલ નીપજ્યા છે. ભૂકંપના એ તાજા દિવસોમાં
જાણીતા સામાજિક કાર્યકર્તા લાલ રાંભિયાએ આ લખનારને બે સાધ્વીજી સાથે મેળવ્યો... ચહેરા
પર મૂમતી અને સફેદ વત્રધારી બંને સાધ્વીજીનો પરિચય કરાવતાં કહ્યું, બિહારમાં રાજગીર સ્થિત એક બહુ મોટી સંસ્થા છે વીરાયતન... તેઓ કચ્છમાં શિક્ષણ
ક્ષેત્રે ઘણું કરવા માગે છે... એ બંને સાધ્વીજી મ.સા. એટલે શિલાપીજી અને વીભાજી...
શિલાપીજી મ.સા.એ ત્યારે કહ્યું હતું કે, કચ્છની ગોઝારી દુર્ઘટનાએ
આચાર્યા ચંદનાજીનું હૃદય વલોવી નાખ્યું છે. ભૂકંપે કચ્છમાં હજારો બાળકોનાં ભાવિ સામે
પ્રશ્નાર્થ ઊભો કરી દીધો હતો. વીરાયતને બે હજાર બાળકો દત્તક લઇ કચ્છમાં જ વસાવીને શ્રેષ્ઠ
નાગરિક બનાવવાનું બીડું ઝડપ્યું છે. ભૂકંપને હજુ ગયા જાન્યુઆરીમાં જ 25 વર્ષ થયાં. વીરાયતને સંકલ્પ
લીધો હતો એ કરતાંય અનેકગણું વિશિષ્ટ યોગદાન કચ્છના પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે
આપ્યું છે. જૈન ધર્મ જેટલો વિશાળ છે એટલા જ એના નીતિ-નિયમો ખૂબ ચુસ્ત છે. વીરાયતનના
સ્થાપક આચાર્યા ચંદનાજીએ જૈન ધર્મના સિદ્ધાંતોના પ્રસાર સાથે `સેવા પરમો ધર્મ'નો મંત્ર અપનાવ્યો. કચ્છમાં રુદ્રાણી પાસેની
પ્રાથમિક શાળામાં હજારો બાળકોને નિ:શુલ્ક શિક્ષણ આપ્યું અને કોડાય નજીક જખણિયા ખાતે
વિશાળ ક્ષેત્રફળમાં ઉચ્ચ શિક્ષણ સંકુલ-વીરાયતન વિદ્યાપીઠ ઊભું કર્યું. વતનપ્રેમી જૈન
શ્રેષ્ઠીઓને આ કાર્યમાં વાળ્યા અને કચ્છમાં શિક્ષણનો મહાયજ્ઞ શરૂ થયો. આચાર્યા ચંદનાજીને
ભારત સરકારનું પદ્મશ્રી સન્માન પ્રાપ્ત થયું છે. કચ્છના ભૂકંપ વખતે લોકોનો વિશ્વાસ
ડગમગી ગયો હતો, ત્યારે આચાર્યા ચંદનાજી કહેતા, `ભૂકંપ એ કોઇ ઇશ્વરનો કોપ નથી, પણ પ્રકૃતિનો પ્રકોપ છે. આ કોઇના શાપ કે અભિશાપને
લીધે થયું છે તેમ માનવું ભૂલ ભરેલું છે. ઇશ્વર તો એક આસ્થાનું, શ્રદ્ધાનું પ્રતીક છે. પ્રકૃતિ સમયાંતરે પરિવર્તન લાવતી હોય છે. ભૂકંપ એવા
જ એક બદલવાનું પ્રતીક છે.' આચાર્યા ચંદનાજીને કોઇ માતાજી કહે,
કોઇ બડે માતાજી પણ કહે. તેમનું વ્યક્તિત્વ જીવંત પાવરહાઉસ જેવું. મુશ્કેલ
પરિસ્થિતિમાં શાંત રહીને માર્ગ કાઢવાની કુનેહ. એમ કહેવાય છે કે, સાધુનું મૂળ અને કુળ ન પૂછાય. ચંદનાજીએ માત્ર માનવસેવાનો ભેખ લીધો હતો. એમનું
સંસારી નામ શકુંતલા માણેકચંદ કટારિયા. 1937ની 26મી જાન્યુઆરીએ
મહારાષ્ટ્રના અહેમદનગરમાં સ્થાનકવાસી જૈન પરિવારમાં જન્મ. શકુંતલાને બાળપણથી ગરીબોની
સેવાનો ભાવ, અબોલ જીવો પ્રત્યે અનુકંપા.
પંદર વર્ષની વયે (1952) શ્રમણ સંઘના
આનંદઋષિજી મહારાજ પાસે દીક્ષા લઇને સાધ્વી ચંદનાશ્રીજી બન્યા. એકાદ દાયકો મૌન ધારણ
કરીને જૈન ધર્મ-દર્શન શાત્રનો અભ્યાસ કર્યો. 1987માં શ્વેતાંબર જૈન સંપ્રદાયના પ્રથમ આચાર્યા બન્યા. વ્યક્તિ
પ્રખર તેજસ્વી હોય તો એ તેજને, તેમના
સંકલ્પોને બાંધી શકતા નથી. સાધ્વી ચંદનાશ્રીજીએ સાથી સંતોની ધર્મ, તપ, વ્યાખ્યાનની પારંપરિક પ્રવૃત્તિથી કંઇક વિશિષ્ટ `કરવું'
હતું, પણ ગુરુ, સંઘ અને સમાજની
સંમતિ મળવી મુશ્કેલ જણાતાં 1969માં સંઘ ત્યાગીને સમવિચારી
સાધ્વીજીઓ સાથે પહોંચ્યા રાજગીર-બિહાર, નાલંદા જિલ્લામાં વીરાયતન કેન્દ્ર નાનાપાયે શરૂ કર્યું, જે આજે શિક્ષણ, આરોગ્ય, સદ્વિચાર
પ્રસાર, માનવસેવાનું ધમધમતું મથક બની ગયું છે. ચંદનાજી સમયાંતરે
કચ્છ આવતાં રહ્યાં છે. સાધ્વી શિલાપીજીએ તેમનાં માર્ગદર્શનમાં કચ્છમાં સૂત્ર સંચાલન
સંભાળ્યું. આચાર્યા ચંદનાજી હંમેશાં એ માનીને ચાલ્યાં છે કે, ધર્મ અને સેવા જુદા નથી. ધર્મ ધરતીના પ્રશ્નોનાં નિરાકરણ માટે છે. મૃત્યુ પછીના
મોક્ષ, સ્વર્ગ કે આત્મકલ્યાણની ચિંતા કરવાને બદલે લોકકલ્યાણનો
માર્ગ ઉત્તમ છે. આચાર્યા ચંદનાજી અને વીરાયતનના સાધ્વીજીઓએ શિક્ષણ-આરોગ્યસેવાને સંસ્થાનો
મૂળ ઉદ્દેશ બનાવ્યો છે. વિચારો કેવા ઉત્તમ અને જુદી ભાત પાડનારા... અમારે મન શૈક્ષણિક
સંસ્થા જ વાસ્તવિક મંદિર છે. એટલે અમે મંદિરોને બદલે સ્કૂલ-કોલેજોનું નિર્માણ કરતા
આવ્યા છીએ. શિક્ષણ હશે તો સમાજ આપોઆપ ઉપર આવશે. આચાર્યા ચંદનાજીને કચ્છ ઉપર અપાર પ્રેમ.
વર્ષે ખાસ્સો એવો સમય કચ્છમાં વીતાવતાં. જૈન સંપ્રદાયના પ્રથમ મહિલા આચાર્યાનું સૂત્ર
હતું જ્યાં જિનાલય ત્યાં વિદ્યાલય. કચ્છમાં વીરાયતન વિદ્યાપીઠ, શાળા, કોલેજોમાંથી બહાર પડનારા તેજસ્વી છાત્રો પોતપોતાની
દુનિયામાં કામે લાગશે, ત્યારે આચાર્યાની સેવાભાવના, ઉમદા
વિચારો આચરણમાં પ્રતિબિંબિત થાય એવી અપેક્ષા રાખીએ. વીરાયતને ભૂકંપ પછી તુરત જ બાળકોને
હૂંફ પૂરી પાડી... હતાશાના-ભયાવહ માહોલમાં બાળકો ભણતાં થયાં ને કોમામાંથી ઉગરી ગયાં. એ પછી કચ્છ વિકસ્યું તેમ વીરાયતને પ્રવૃત્તિનું
ફલક વિસ્તાર્યું.