• બુધવાર, 29 એપ્રિલ, 2026

ભાજપનો કોલ, વિશ્વાસને સાર્થક કરીશું

ભુજ, તા. 28 : સ્થાનિક સ્વરાજ્યમાં ભારતીય જનતા પાર્ટી પર કચ્છની જનતાએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરવાનો પ્રયત્ન કરાશે તેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મંગળવારે જાહેર થયેલાં પરિણામોમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપનો વિજય થયા બાદ ભુજ ખાતેની કચ્છ કમલમ્ કચેરીમાં યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું. - કચ્છમાં સાર્વત્રિક જીત હાંસલ : શ્રી વરચંદે કહ્યું હતું કે, જિલ્લાની બધી જ નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતમાં ભાજપને જંગી બહુમતીથી જીત અપાવવા માટે કચ્છની જનતાનો આભાર. આ વખતે જિલ્લા પંચાયતની 39 બેઠકમાંથી 30 પર જીત મળી હતી, જ્યારે ગાંધીધામ મહાનગરપાલિકાની પહેલી વખત યોજાયેલી ચૂંટણીમાં 41 બેઠક ભાજપના ફાળે આવી હતી, તો નગરપાલિકાની 172માંથી 134 બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો. તે ઉપરાંત જ્યાં પણ પરિણામ પડતર છે ત્યાં પણ ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગત વખતે અબડાસા અને લખપતમાં હાર મળી હતી, ત્યાં પણ ભાજપે જીત નોંધાવી હતી, તો જ્યાં બે દાયકાથી ભાજપનો વિજય નહોતો થયો ત્યાં પણ જનસમર્થન પ્રાપ્ત થતાં અમારા ઉમેદવારો જીત્યા હતા. આમ કચ્છમાં ભાજપની સાર્વત્રિક જીત થઈ છે તેમ જિલ્લા ભાજપ અધ્યક્ષે જણાવ્યું હતું. - ભાજપનો જ્વલંત વિજય : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં દેશમાં ભાજપનો જનાધાર વધી રહ્યો છે, તેમ કચ્છમાં પણ મતદારોએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી ઉપર જે ભરોસો અને વિશ્વાસ મૂક્યા છે તેના લીધે જ ઐતિહાસિક અને જ્વલંત પરિણામ મળ્યું છે તેમ કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું. બધી જ નગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતોમાં અને મહાનગરપાલિકાઓમાં અમારા ઉમેદવારોને વિજય અપાવવા બદલ કચ્છની જનતાનો આ તકે શ્રી ચાવડાએ આભાર માન્યો હતો. - વિકાસનાં કાર્યોને જનસમર્થન : પ્રદેશ મહામંત્રી અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવેએ જણાવ્યું હતું કે, દરેક ચૂંટણી કાર્યકર્તાઓને કંઇક ને કંઇક નવું શીખવતી હોય છે. માંડવીમાં પુષ્કળ સમર્થન મળ્યું તેથી જ માંડવી નગરપાલિકા કોંગ્રેસમુક્ત બની છે, એટલું જ નહીં પરંતુ નારાયણ સરોવરથી આડેસર સુધી ભાજપનો ભગવો લહેરાયો છે. વિકાસનાં કાર્યોને જનસમર્થન મળ્યું છે, તેથી જ લખપત અને અબડાસા તાલુકા પંચાયતોમાં પણ હવે ભાજપની જીત થઇ છે. આ વેળાએ ભાજપનું મોવડી મંડળ, જીતેલા ઉમેદવારો, કાર્યકરો સહિતના સમર્થકો બહોળી સંખ્યામાં ભાજપ કાર્યાલય ખાતે ઊમટી પડયા હતા. - હારેલી બેઠકો અંગે સમીક્ષા કરાશે : ભાજપ અધ્યક્ષ : ભુજમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપનો ગઢ ગણાતી રતનાલ બેઠક પર કોંગ્રેસની જીત તેમજ નિરોણા બેઠક પર મળેલી હાર ઉપરાંત કોંગ્રેસની વધેલી સીટો અંગે પૂછાયેલા સવાલના જવાબમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈએ જણાવ્યું હતું કે, હાર-જીત એ નિત્યક્રમ છે. કયાંક જનસમર્થન નહોતું, ત્યાં વધ્યું છે, તો ક્યાંક જનતાએ સાથ નથી આપ્યો, તેથી જે બેઠક પર હાર ખમવી પડી છે અને લોકોની આશાઓ પૂરી કરવામાં કયાં ઊણપ રહી ગઈ તે બાબતે ચોક્કસપણે સમીક્ષા કરાશે અને ફરી નવા જોમ તથા વિકાસના એજન્ડા સાથે લોકો વચ્ચે જશું તેમ શ્રી વરચંદે કહ્યું હતું

 

Panchang

dd