• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

દેશમાં ચોમાસું જામ્યું : પૂરસંકટથી ઉચાટ

એક તરફ ચોમાસાંનું તેના નિયત સમય કરતાં છ દિવસ વહેલું આખા દેશમાં આગમન થઇ ગયું છે, તો બીજી તરફ મેઘઆગમનની સાથે જ પૂર્વ અને ઉત્તર ભારતમાં પૂર અને ભારે વરસાદને લીધે 100થી વધુનો ભોગ લેવાતાં પ્રથમ દોરમાં જ કહેરે મેઘરાજાના ઉગ્ર ઇરાદા છતાં કરી દીધા છે. જો કે, દરેક મોસમમાં ચોમાસાંની તબાહી છતાં આજે પણ દેશના નાગરિકો માટે સારો વરસાદ એ સારાં વર્ષનાં શુકન સમાન બની રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે, દક્ષિણ-પશ્ચિમી ચોમાસું હવે આખા દેશમાં સક્રિય બની ગયું છે. કેરળમાં નિયત સમય કરતાં બે દિવસ અગાઉ 30મી મેના વરસાદ શરૂ થઇ ગયો હતો. આરંભમાં મેઘરાજાએ ઉતાવળ કર્યા બાદ મહારાષ્ટ્ર પહોંચ્યા પછી તેમની ગતિ થોડી ધીમી પડી ગઇ હતી, પણ હવે ચોમાસું આખા દેશ પર સક્રિય થઇ ગયાની જાહેરાતે સૌને રાહતની લાગણીનો અનુભવ કરાવ્યો છે. ચોમાસું સક્રિય થતાંની સાથે કાળઝાળ ગરમી અને લૂથી ત્રાહિમામ આખા દેશને હવે તાપમાંથી મુક્તિ મળી છે. સાથોસાથ કૃષિ પર આધારિત અર્થતંત્રને ઉપજાઉ વર્ષનો ભરોસો જાગ્યો છે. દેશનાં અર્થતંત્રમાં ગ્રામીણ આર્થિક સમીકરણો ચાવીરૂપ બનતાં આવ્યાં છે.  સારા વરસાદના આરંભ સાથે ખેતી માટે ઊજળા સંજોગો આકાર લઇ ચૂક્યા છે. આ આશાસ્પદ સ્થિતિ વચ્ચે ચિંતા જગાવે તેવી બાબત પણ છે. આઇએમડીએ એવી પણ આગાહી કરી છે કે, આ મહિના દરમ્યાન મધ્ય ભારત અને પૂર્વી ભારતના વિસ્તારોમાં ભારે વરસાદને લીધે પૂરની હાલત સર્જાઇ શકે છે. આ આગાહી પણ સાચી ઠરી રહી છે. હાલે પૂર્વી અને ઉત્તર ભારતમાં ભારે પૂરને લીધે તારાજી સર્જાઇ રહી છે.  એકસોથી વધુ લોકોનાં મોત થઇ ચૂક્યાં છે અને મોટો વિસ્તાર જળભરાવમાં ગરકાવ થઇ ગયો છે. આસામમાં 35 જિલ્લામાંથી 19 પૂરથી પ્રભાવિત થયા છે. લગભગ સાડા છ લાખ લોકો અટવાયા છે. રાજ્યનું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અસર પામેલાઓને સલામત સ્થળે ખસેડવા યુદ્ધનાં ધોરણે કામે લાગ્યું છે. જો કે, મુશ્કેલી એ છે કે, હવામાન વિભાગે આગામી દિવસોમાં આસામ અને અરુણાચલ પ્રદેશના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. આવા સંજોગોમાં હાલત વધુ જોખમી બને એવો અંદેશો વ્યક્ત થઇ રહ્યો છે. દરમ્યાન સોમવારે  મહાનગર મુંબઇમાં બારે મેઘ ખાંગા થતાં જનજીવન ખોરવાઇ ગયું હતું. ચોમાસાંના આરંભે જ આવી સ્થિતિ સર્જાતાં આવનારા દિવસો વધુ કપરા બની રહેશે એવી ચેતવણી એક દિવસમાં 12 ઇંચ કરતાં વધુ વરસાદે આપી દીધી છે. આમ તો દર ચોમાસાંની મોસમમાં અમુક રાજ્યોમાં મોટા વિસ્તારો પૂરની તકલીફનો સામનો કરતા રહે છે, પણ આપત્તિ સમયે સતર્ક બની જતી રાજ્ય સરકારો ચોમાસાં અગાઉ સાવચેતીનાં આગોતરાં આયોજન માટે નિરૂત્સાહ રહે છે. સૌ કોઇને ચોમાસાંનાં પૂરની સંભાવનાની બરાબર જાણ હોવા છતાં વર્ષના બાકીના સમયમાં તેને રોકવા માટેનાં પગલાં તરફ ધ્યાન અપાય તો જોખમ અને તકલીફ બન્ને ઘટાડી શકાય. જો કે, છેલ્લા થોડા સમયમાં રાજ્યનાં આપત્તિ વ્યવસ્થાપનની ક્ષમતામાં નોંધપાત્ર રીતે મજબૂતી આવી છે, ત્યારે પૂર જેવા સમયમાં ફસાયેલા લોકોને ઉગારી લેવામાં સફળતાનું પ્રમાણ વધ્યું છે, પણ હવે સમય છે પૂરનાં પાણીને નાથવા માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાનો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang