નવી દિલ્હી, તા. 15 : એડિલેડ
ઓવલ ખાતે રમાયેલી બીજી વન-ડે મેચમાં ઇંગ્લેન્ડે યજમાન ઓસ્ટ્રેલિયાને 135 રનના
વિશાળ અંતરથી પરાજય આપ્યો છે. આ મુકાબલામાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાની ધરતી પર પોતાનો
સર્વોચ્ચ વન-ડે સ્કોર નોંધાવ્યો હતો જ્યારે રનના તફાવતની દૃષ્ટિએ ઘરેલુ મેદાન પર ઓસ્ટ્રેલિયાની
આ ત્રીજી સૌથી મોટી હાર સાબિત થઈ છે. ટોસ હારીને પ્રથમ બાટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની
ટીમે 50 ઓવરમાં
6 વિકેટે
355 રનનો
જેવો સ્કોર ખડક્યો હતો. ઓપનર ટોમ બેન્ટન અને જો રૂટે બીજી વિકેટ માટે 137 રનની
ભાગીદારી નોંધાવી ઇનિંગ્સને મજબૂત પાયો આપ્યો હતો. ટોમ બેન્ટને આક્રમક અંદાજમાં 99 બોલમાં
121 રનની
સદી ફટકારી હતી. આ ઉપરાંત જો રૂટે 62, જોર્ડન કોક્સે 49 બોલમાં
67 અને
વિલ જેક્સે અણનમ 54 રનની અડધી સદી ફટકારી સ્કોર 350ને
પાર પહોંચાડ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ઝેવિયર બાર્ટલેટે 3, જ્યારે
સ્પેન્સર જોન્સન, રિલે મેરેડિથ અને કૂપર કોનોલીએ
1-1 વિકેટ
ઝડપી હતી. 356 રનના
વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ શરૂઆતી ઓવરોમાં જ વિકેટો ગુમાવી
દબાણમાં આવી ગઈ હતી અને સમગ્ર ટીમ 44.3 ઓવરમાં 220 રનમાં
સમેટાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ઘરેલુ મેદાન પર ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી હાર 1986માં
ન્યૂઝીલેન્ડ સામે (206 રન) અને બીજી સૌથી મોટી હાર 1987માં
વેસ્ટ ઇન્ડિઝ સામે (164 રન) નોંધાઈ હતી. હવે એડિલેડની આ હાર ત્રીજાં સ્થાને
આવી ગઈ છે.