રાજકોટ, તા. 15 : અન્ડર-19 એશિયા
કપના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં પાકિસ્તાનને ધૂળ ચટાવીને ભારતને ઐતિહાસિક જીત અપાવનાર
રાજકોટના મોહિત ઉલ્વાના ઘરે દિવાળી જેવો માહોલ છવાયો હતો. આ સાથે પાકિસ્તાન સામે મેચમાં
પ્રેશર વચ્ચે પણ ટીમને દિલધડક જીત અપાવનાર મોહિત પસંદગીકારોની નજરમાં આવી ગયો હશે તે
કહેવુ ખોટું નથી. ફાઇનલ મેચની અંતિમ ક્ષણોમાં મોહિતે ગેમ-ચેન્જર ઇનિંગ રમીને જેવો વાનિંગ
ચોગ્ગો ફટકાર્યો, કે તરત જ રાજકોટ સ્થિત તેના નિવાસસ્થાને
ફટાકડા ફૂટ્યા હતા અને પરિવારે એકબીજાના મોં મીઠા કરાવી આ ભવ્ય વિજયનો જશ્ન મનાવ્યો
હતો. આ ઐતિહાસિક ક્ષણ અંગે મોહિતના પિતા મહેશભાઈએ ભાવુક થતા જણાવ્યું હતું કે,
મોહિતે જ્યારે છેલ્લો ચોગ્ગો ફટકાર્યો ત્યારે અમારા શ્વાસ અધ્ધર થઈ ગયા
હતા અને અમે ખૂબ નર્વસ હતા. પરંતુ આજે મારા દીકરાની 9 વર્ષની
અથાગ મહેનત રંગ લાવી છે, જેનો અમને અપાર ગર્વ છે. મારી
ડ્યૂટી સિવાયનો તમામ સમય હું મોહિતની પ્રેક્ટિસ પાછળ જ આપતો હતો અને તેના માટે અમે ઘરે જ પ્રેક્ટિસ નેટ્સ પણ તૈયાર કરી છે.