નવી દિલ્હી, તા. 15 : ભારતીય
સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા કુમામોટો જાપાન
માસ્ટર્સનું ટાઈટલ પોતાના નામે કરી લીધું છે. રવિવારે રમાયેલા મેન્સ સિંગલ્સના રોમાંચક
ફાઈનલ મુકાબલામાં લક્ષ્યે જાપાનના વર્લ્ડ નંબર-15 ખેલાડી કોકી વાતાનાબેને
13-21,
21-18, 21-14થી પરાજય આપ્યો હતો. વાતાનાબેએ આક્રમક શરૂઆત કરી
પ્રથમ ગેમ 21-13થી
જીતી લીધી હતી. જોકે, પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ લક્ષ્યે
પોતાની રણનીતિમાં બદલાવ કર્યો હતો. લાંબી રેલીઓ રમીને તેણે જાપાની ખેલાડીને થકવ્યો
અને બીજી ગેમમાં કઠિન સંઘર્ષ બાદ 21-18થી વિજય મેળવી મેચ 1-1ની
બરાબરી પર લાવી દીધી હતી. નિર્ણાયક ત્રીજી ગેમમાં લક્ષ્યે શરૂઆતથી જ મેચ પર પકડ જમાવી
રાખી હતી અને વાતાનાબેને વાપસીની કોઈ તક આપ્યા વિના 21-14થી
ગેમ જીતીને ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું હતું. અગાઉ શનિવારે સેમિફાઈનલમાં પણ
લક્ષ્યે ઈન્ડોનેશિયાના વર્લ્ડ નંબર-10 અલવી ફરહાનને 21-12, 15-21, 21-11થી
હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. લક્ષ્ય સેનની કારકિર્દીનું આ સતત બીજું બીડબલ્યુએફ
વર્લ્ડ ટૂર ટાઈટલ છે.