વડોદરા, તા.23 : વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે
રમાયેલી ત્રણ વન-ડે શ્રેણીના પ્રથમ મુકાબલામાં ભારતીય મહિલા ટીમે ઝિમ્બાબ્વેને 9 વિકેટે કચડી નાખ્યું છે. બોલરોની શિસ્તબદ્ધ
બાલિંગ બાદ ઓપનર પ્રતિકા રાવલની શાનદાર અણનમ સદી અને શેફાલી વર્માની વિસ્ફોટક અડધી
સદીના જોરે ભારતે 198 રનનો ટાર્ગેટ
માત્ર 27.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને આસાનીથી વટાવી લીધો હતો.
આ વિજય સાથે ભારતે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી
લીધી છે. ટોસ જીતીને પ્રથમ બાટિંગ કરવાનો ઝિમ્બાબ્વેનો નિર્ણય ભારતીય બોલરોએ ખોટો સાબિત
કર્યો હતો. શ્રી ચરણી અને ક્રાંતિ ગૌડની બાલિંગ સામે ઝિમ્બાબ્વેની ટીમ સતત મુશ્કેલીમાં
મુકાઈ હતી. બિલોવ્ડ બિઝાએ સર્વાધિક 62 રન બનાવી લડત આપી હતી, જ્યારે મિશેલ માવુંગાએ 29 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, સમયાંતરે વિકેટો પડતાં સમગ્ર ટીમને 49.5 ઓવરમાં 197 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રી
ચરણીએ 4 વિકેટ અને ક્રાંતિ ગૌડે 3 વિકેટ ઝડપી હતી. દીપ્તિ શર્માએ બે અને શેફાલી
વર્માએ એક સફળતા મેળવી હતી. 198 રનના વિજયી
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને ઓપનરોએ મજબૂત પ્રારંભ અપાવ્યો હતો. કેપ્ટન
સ્મૃતિ મંધાના 32 રન કરી આઉટ થયા બાદ પ્રતિકા
રાવલ અને શેફાલી વર્માએ મેદાનની ચારેય તરફ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. પ્રતિકાએ
96 બોલમાં સદી કરી હતી. શેફાલી
વર્માએ માત્ર 33 બોલમાં 64 રન ફટકાર્યા હતા.