ગાંધીધામ, તા. 24 : રાપર પોલીસે ફિલ્મીઢબે એક ગાડીનો
પીછો કરીને તેમાંથી રૂા. 2.97 લાખનો અંગ્રેજી દારૂનો જથ્થો
ઝડપી પાડયો હતો. આ કાર્યવાહીમાં અંધારાનો લાભ લઈને આરોપી પોલીસને હાથ તાળી આપીને નાસી
છૂટયો હતો. કાળા રંગની સ્કોર્પિયો ગાડી અંગ્રેજી દારૂનો જથ્થો ભરીને મઢુત્રા રણમાંથી રાપર-ફતેગઢ નર્મદા કેનાલ તરફ આવી
રહી હોવાની પૂર્વ બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ વાહનને રોકાવાનો પ્રયાસ કરતાં ચાલકે પૂરઝડપે ગાડી હંકારી
નાસી છૂટયો હતો. પોલીસે આ વાહનનો ફિલ્મીઢબે પીછો કર્યો હતો. દરમ્યાન દારૂ ભરેલી ગાડીનું ટાયર ફાટી જતાં ચાલક કેનાલના
કાચા રસ્તા ઉપર ગાડી મૂકીને અંધારા તથા ઝાડીઓનો લાભ લઈને નાસી છૂટયો હતો. રાપર પોલીસે
સ્કોર્પિયો જીજે-12-બીવાય-1977 ગાડીમાંથી ભારતીય બનાવટનો અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂના
બોટલ, ક્વાર્ટર અને બિયર ટીન કુલ 1236 કબજે લેવાયા હતા. પકડાયેલા
દારૂના જથ્થાની કિંમત રૂા. 2,97,060 આંકવામાં
આવી હતી. આ કાર્યવાહીમાં સાત લાખની ગાડી સાથે
કુલ રૂા. 9,97,060નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. આ પ્રકરણમાં સામેલ આરોપી રામકિષ્ના ઉર્ફે
લાલો મારાજ ગિરજાશંકર વ્યાસ (રહે. મેઘપર-બોરીચી)ને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કરી વધુ
તપાસ હાથ ધરી છે.