• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

ફ્રાન્સમાં અજંપો; મૈક્રોંનાં રાજીનામાની માંગ

પેરિસ, તા. 24 : ફ્રાન્સમાં વધતા જીવનનિર્વાહ ખર્ચ, વેતન અને શિક્ષણ ભંડોળને લઇને વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે, જેથી ફરી હિંસાની આશંકા વચ્ચે અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે. વિરોધ પ્રદર્શનોમાં દુકાનો લૂંટાઇ, કાર સળગાવી દેવામાં આવી અને જાહેર ઇમારતોને નુકસાન પહોંચાડાયું હતું, જેના કારણે ફ્રાન્સમાં સુરક્ષા દળ ગોઠવી દેવાયા હતા. ગયા અઠવાડિયા જેવી હિંસાનું પુનરાવર્તન ન થાય તે માટે અધિકારીઓએ પેરિસમાં એક મોટી કૂચને શહેરના દક્ષિણ-પૂર્વીય ભાગ સુધી મર્યાદિત કરી  હતી. મુખ્ય સંગ્રહાલયો બંધ કર્યા હતા અને ઘણા શહેરોમાં પ્રદર્શનો પર પ્રતિબંધ મૂક્યો હતો. પ્રદર્શનકારીઓએ `અમે કંટાળી ગયા છીએ' જેવા શબ્દો લખાયેલાં બેનરો સાથે મૈક્રોંનનાં રાજીનામાની માંગ કરી હતી. વિરોધ પ્રદર્શનો શરૂ થાય તે પહેલાં ગૃહમંત્રી લોરેન્ટ નુનેઝે કહ્યું હતું કે, દેશભરમાં 70,000 જેટલા અધિકારી ફરજ પર તૈનાત કરવામાં આવશે, જેમને હેલિકોપ્ટર, સશત્રી વાહન અને તોપો દ્વારા ટેકો અપાશે. ગત શનિવારે પાંચ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા બાદ પેરિસ અને અન્ય મોટા શહેરોમાં સુરક્ષા કડક કરાઇ હતી. અઠવાડિયાના અંતે સર્જાયેલી અશાંતિ દરમિયાન ફ્રાન્સમાં લગભગ 3000 દુકાનને નુકસાન થયું હતું કે લૂંટાઇ હતી. તે પછી આ સુરક્ષા વ્યવસ્થા કરાઇ હતી. નુનેઝે સ્વીકાર્યું હતું કે, હિંસા દરમિયાન કેટલાક શહેરોમાં પોલીસે નિયંત્રણ ગુમાવ્યું હતું. તેમણે રાજીનામું આપવાની ઓફર કરી હતી, પરંતુ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈક્રોંને ઇન્કાર કરી દીધો હતો. ફ્રાન્સના ગૃહમંત્રી લોરેન્ટ નુનેઝે જણાવ્યું હતું કે, વિરોધ પ્રદર્શનોના સંદર્ભમાં પોલીસે 135 લોકોની ધરપકડ કરી છે અને વિવિધ શત્રો જપ્ત કર્યાં છે. અધિકારીઓએ ફરીથી હિંસાના ભયને ધ્યાને લઇ સુરક્ષા વધારી દીધી છે. એક અહેવાલ મુજબ, પેરિસ પોલીસે શુક્રવારે યુનિયન આયોજિત કૂચનો રૂટ બનલીને બેસ્ટિલ-ટુ-નેશન રૂટને બદલે રાજધાનીના દક્ષિણ પૂર્વીય કિનારે પોર્ટ ડી'ઇટાલી અને પોર્ટ ડી વિન્સેન વચ્ચેનો રૂટ નક્કી કર્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd