• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

પાણીચોરી સામે લાલઆંખ : કૂવાપદ્ધરમાં ચાર ખેડૂત સામે દંડાત્મક પગલાં

નલિયા, તા. 24 : અબડાસા પંથકમાં સરકારી સિંચાઈ યોજનાઓમાંથી થતી અનધિકૃત પાણીચોરી સામે વહીવટી તંત્ર દ્વારા કડક વલણ અખત્યાર કરવામાં આવ્યું છે. કૂવાપદ્ધર ગામે આવેલી કૂવાપદ્ધર નાની સિંચાઈ યોજના વિસ્તારમાં પ્રાંત અધિકારી દ્વારા હાથ ધરાયેલી આકસ્મિક તપાસણી દરમિયાન ગેરકાયદેસર રીતે પાણીચોરી કરતા ચાર ખેડૂત ઝડપાઈ જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. કૂવાપદ્ધર નાની સિંચાઈ યોજનામાંથી કેટલાક તત્ત્વો દ્વારા બિનઅધિકૃત રીતે પાણી ખેંચવામાં આવતું હોવાની બાબતને ગંભીરતાથી લઈ અબડાસાના પ્રાંત અધિકારી કે.કે. કરમટાએ સ્થળ પર દરોડો પાડયો હતો. આ સઘન નિરીક્ષણ દરમિયાન સિંચાઈ યોજનાના જળાશય વિસ્તારમાંથી નિયમ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે પાણીચોરી કરી રહેલા ચાર જેટલા ખેડૂત ઝડપાઈ ગયા હતા. તપાસણી વેળાએ પ્રાંત અધિકારીએ સાથે રહેલા સિંચાઈ (પંચાયત) વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને સ્થળ પર જ તાકીદ કરી  સરકારી જળસંપત્તિનું નુકસાન કરી પાણીચોરી કરનારા તમામ કસૂરવાર ખેડૂતો સામે નિયમાનુસાર તાત્કાલિક કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ હતી. સૂકા મલક ગણાતા અબડાસા વિસ્તારમાં જળસંચય અને સિંચાઈનું પાણી ખેડૂતો માટે જીવાદોરી સમાન છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી ગેરકાયદે પાણી ઉપાડતા તત્ત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ આવી આકસ્મિક તપાસ ચાલુ રહેશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd