અર્પિત ગંગર દ્વારા : મુંબઇ, તા. 23 : કચ્છી વીશા ઓસવાળ દેરાવાસી
જૈન મહાજનની સાંસ્કૃતિક સમિતિ દ્વારા તાજેતરમાં માટુંગા સ્થિત નારાયણજી શામજી વાડી
ખાતે મેગા વેડિંગ કાર્નિવલનું આયોજન કરાયું હતું. મુંબઇમાં કચ્છી સમાજ દ્વારા પ્રથમ
વખત યોજાયેલા આ પ્રકારના વેડિંગ ફેરના મુખ્ય પ્રાયોજકો ભાણબાઇ શિવજી ગડા, પાનબાઇ વલ્લભજી ગડા અને દમયંતીબેન ગડા હતા.
આ પ્રસંગે ચંદ્રકાંત ગોગરી, મોહન વોરા, દીપક ભેડા અને હરેશ ગડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે
કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્નિવલમાં કુલ 76 સ્ટોલ હતા. ત્રણ દિવસમાં 20,820 લોકોએ મુલાકાત લીધી હતી. કાર્નિવલમાં
લગ્નનાં કપડાં, સજાવટની વસ્તુઓ,
હનીમૂન માટેના ટૂર અને ટ્રાવેલ પેકેજ, ડેસ્ટિનેશન
વેડિંગની સેવાઓ સહિતની અનેક વસ્તુઓ અને સેવાઓના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. પ્રતિનિધિઓએ
જણાવ્યું હતું કે, લગ્નની મોસમ નજીક આવી રહી છે, ત્યારે અમારી સમિતિના સભ્યોને વિચાર આવ્યો કે, લગ્ન સાથે
સંકળાયેલી તમામ વસ્તુઓ અને સેવાઓ માટે એક ભવ્ય મેળાનું આયોજન કરવું જોઇએ. લગ્નમાં નાનીથી
લઇને મોટી જરૂરિયાત સુધીની દરેક વસ્તુ એક જ સ્થળે ઉપલબ્ધ થાય એ અમારો મુખ્ય હેતુ હતો.
કચ્છી સમાજ હંમેશાં વેપાર સાથે જોડાયેલો રહ્યો છે તેથી ગુણવત્તાની ખાતરી પણ મળે છે.
કાર્નિવલમાં ખરીદીની સાથે મુલાકાતીઓના મનોરંજન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
સાડી પહેરવાની વિવિધ રીતોનું નિદર્શન, અલગ-અલગ ગેમ શો,
સંગીતના કાર્યક્રમો, મેકઅપ ડેપો સેશન, નિ:શુલ્ક ટિન્સેલ આર્ટ વર્કશોપ, બાળકો માટે ડાન્સ વર્કશોપ,
લિપણ આર્ટ વર્કશોપ અને બાળકો માટેની વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન
કરવામાં આવ્યું હતું. મુલાકાતીઓ માટે દર અડધા કલાકે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું
હતું. આ ઉપરાંત નસીબદાર વિજેતાઓને અન્ય ખાસ ઇનામો પણ આપવામાં આવ્યાં હતાં.