• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

ગાંધીધામમાં સ્વદેશી મેળાનો પ્રારંભ

ગાંધીધામ,તા.24 : શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અને ગુજરાત અર્બન લાઇવલીહૂડ મિશન ના પ્રેરિત ગાંધીધામ મહાનગરપાલિકા અને દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલાના સંયુક્ત ઉપક્રમે ડો. બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર  ખાતે સ્વદેશી મેળા- શાપિંગ ફેસ્ટીવલનો  ઉદઘાટન સમારંભ યોજાયો હતો. આ મેળાનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના માનનીય મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે કરાયુ  હતું. આ પ્રસંગે  ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ મહાનગરપાલિકાનાં મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવિનભાઈ જરુ સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ, ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર બી. ડી. ડાવેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉર્વિશ વાળંદ, શાસક પક્ષના નેતા ભરતભાઈ મિરાણી, દંડક સુરેશભાઈ ધુવા, કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય સહિતના  ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ 80 જેટલા સ્ટોલની મુલાકાત લઈ, સ્થાનિક વેપારીઓ, કારીગરો અને સ્વસહાય જૂથો/પી.એમ. સ્વનિધી દ્વારા રજૂ કરવામાં આવેલી ચીજવસ્તુઓ તથા તેમની સર્જનાત્મક કામગીરીની જાણકારી મેળવી હતી.આ સ્ટોલમાં હસ્તકલા, વિવિધ કલાત્મક કૃતિઓ, આર્ટ, મહેંદી, ઈ-બાઇક્સ, વાયર આર્ટ, વેસ્ટમાંથી બેસ્ટ જેવી સર્જનાત્મક વસ્તુઓ સહિત વિવિધ પ્રકારનાં ઉત્પાદનો અને આકર્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિશેષ માં ફૂડ ઝોન, બાળકો માટે નિ:શુલ્ક મનોરંજન અને ગેમ ઝોન તેમજ દરરોજ સાંજે 07:00 કલાકે વિવિધ કૃતિઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વદેશી ઉત્પાદનોની ખરીદીને પ્રોત્સાહન આપવાનો, સ્થાનિક વેપારીઓ અને કારીગરોને બજાર ઉપલબ્ધ કરાવવાનો, સ્વસહાય જૂથોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો તથા નાગરિકોમાં સ્થાનિક ઉત્પાદનો પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.  આ મેળો  3/11 સુધી દરરોજ સાંજે 4:00થી રાત્રે 10:00 વાગ્યા સુધી નગરજનો માટે ખુલ્લો રહેશે. સ્વદેશી અપનાવો, સ્થાનિકને પ્રોત્સાહન આપો અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી બનવા તેમજ આ મેળાનો વધુમાં વધુ લોકો લાભ લેવા  મહાનગરપાલિકા અને  દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારા અપીલ કરાઈ હતી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd