ભુજ, તા. 24 : ભુજ ખાતે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી
વિભાગ, ગુજરાત સરકાર સંચાલિત ઈન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજિકલ
રિસર્ચ દ્વારા `સેવા સંકલ્પ
અભિયાન' અંતર્ગત ભુજ ખાતે વિશેષ `સુરક્ષા ભૂકંપ પૂર્વતૈયારી, ભૂકંપીય જોખમ મૂલ્યાંકન અને માઇક્રોઝોનેશન'
કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળાનો મુખ્ય હેતુ સામાન્ય
નાગરિકોમાં ભૂકંપ પ્રત્યે વૈજ્ઞાનિક સમજ કેળવી મનમાંથી ડર દૂર કરવાનો અને આપત્તિ સમયે
યોગ્ય પ્રતિસાદ વિકસાવવાનો હતો. આ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપતિ શીતલભાઈ શાહ, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી,
અધિક કલેક્ટર પ્રવીણભાઈ વિથાણી, જિલ્લા વહીવટીતંત્રના
અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો, પોલીસ વિભાગના અધિકારીઓ, 108 સહિત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળામાં 100 જેટલા સહભાગીઓ જોડાયા હતા.
કાર્યશાળામાં ડો. દિલીપ સિંહે ભૂકંપ એટલે શું?, તીવ્રતા અને મેગ્નિટ્યુડનું મહત્ત્વ તેમજ સિસ્મિક તૈયારી વિશે વિસ્તૃત માર્ગદર્શન
આપ્યું હતું. પ્રથુલ પટેલ સિસ્મિક હેઝાર્ડ
સિનારિયો અને સિસ્મિક પ્રિપેરનેશન પર પોતાનો મત રજૂ કર્યો હતો. કચ્છ યુનિવર્સિટીના
આર્કિયોલોજી એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના વડા ડો. ગૌરવ ચૌહાણે `કચ્છમાં ભૂકંપ સાથે જીવવું : સમય સાથે સામુદાયિક
આપત્તિ પ્રતિકારક ક્ષમતા અને યુવા વિદ્યાર્થીઓ માટે અર્થ સાયન્સમાં કારકિર્દીનું મહત્ત્વ' વિષય પર વક્તવ્ય આપ્યું હતું. ડો. પલ્લબી ચૌધરીએ વિવિધ ભૌતિક ઉપકરણોનું પ્રદર્શન
અને લાઈવ અર્થક્વેક ડેટા ડેમોસ્ટ્રેશન કરાવ્યું હતું. નોંધનીય છે કે, કચ્છ ક્ષેત્રમાં આવેલી મુખ્ય ભૂગર્ભીય ફોલ્ટલાઈનો પર સતત નજર રાખવા માટે આઈએસઆર
દ્વારા અત્યાધુનિક સિસ્મિક સ્ટેશનો કાર્યરત કરાયાં છે. આઈએસઆર માત્ર ભૂકંપ મોનિટારિંગ
જ નહીં, પરંતુ સુરક્ષિત શહેરી વિકાસ, ભૂકંપરોધક
ઇમારતોની ડિઝાઇન, ભૂગર્ભ જળ અને ખનિજોની શોધ તથા ડેમ,
અણુઊર્જા મથકો અને સોલાર-વિન્ડમિલ જેવા મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ માટે
`સેફ્ટી ફેક્ટર' ચકાસણીનું કામ સમગ્ર દેશના 21થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં
પૂરું પાડે છે.