અંબર અંજારિયા દ્વારા : ભુજ, તા. 29 : `ડોન્ટ મિસ અ બિટ' એટલે કે એક પણ ધબકાર ચૂકો નહીં... એટલે કે હૃદયના
સંકેતોને સતત ઓળખતા રહો... આવી થીમ સાથે મંગળવારે જેની ઉજવણી થઇ રહી છે તે `વર્લ્ડ હાર્ટ ડે' અર્થાત્ વિશ્વ હૃદય દિવસના જ અવસરે યોગાનુયોગ
એક અનોખી વિચારધારા ધરાવતા હૃદયરોગના નિષ્ણાત યુવા તબીબે `કચ્છમિત્ર' સાથે વાતો કરી હતી. ખાસ કરીને યુવાનો તેમજ વડીલો
માટે ઉપયોગી સંદેશ આપતાં ડો. રોહન મકવાણાએ વાલ્વ અને રિધમ સર્જરી સહિત હૃદયરોગોની સારવારની
સમજ આપી હતી. મોટાભાગે વાલ્વ રિપ્લેસમેન્ટ એટલે કે વાલ્વ બદલી નાખવાના ઓપરેશન કરી દેવાતાં
હોય છે પરંતુ શક્ય હોય ત્યાં સુધી વાલ્વ રિપેર સર્જરી કરાવવાની સલાહ યુવા તબીબે આપી
છે. માત્ર 38 વર્ષના કાર્ડિયો
થોરાસિક વાસ્ક્યુલર સર્જન ડો. રોહન કહે છે કે, વાલ્વ રિપ્લેસમેન્ટ નહીં, વાલ્વ રિપેર કરાવવો જોઇએ. આવું
શા માટે કરવું જોઇએ તેવા સવાલના જવાબમાં બેંગ્લોરના નારાયણા હૃદયાલયમાં કાર્ડિયો થોરાસિક
વાસ્કયુર સર્જન તરીકે પ્રવૃત્ત ડો. રોહન મકવાણાએ જાણવા અને સમજવા જેવી વાતો કરી હતી.
- પછી ગોળી આજીવન ખાવી પડે : આપણા દેશમાં
મોટાભાગે વાલ્વ રિપ્લેસમેન્ટ એટલે કે વાલ્વ બદલવાની જ સર્જરી કરાતી હોય છે. આવી શત્રક્રિયા
કરાવ્યા પછી લોહીને ગંઠાતું રોકવા માટેની વોરફરીન,
એસીટ્રોન જેવી ગોળીઓ નિયમિત અને જીવનભર લેવી પડે છે. આવી ગોળીઓ લેનાર
દર્દી શાકભાજી, લીલોતરી, સોયાબીન વગેરે
ખાઇ નથી શકતા. તેલ, તળેલા, બારાતુ,
ચરબી વધારતા ખોરાક પણ લઇ શકતા નથી, પરંતુ,
વાલ્વ બદલ્યા પછી ફરજિયાત લેવી પડતી આવી ગોળીઓના જોખમો તરફ લાલબત્તી
ધરતાં તેઓ કહે છે કે, વડીલ વયના દર્દીઓ પડી જાય ત્યારે લોહી નીકળે
તો તરત બંધ નથી થતું રિપ્લેસમેન્ટ સર્જરી માં ફોરેન બોર્ડી એટલે કે શરીરનો નથી,
કુદરતી નથી તેવો બહારનો ભાગ હૃદય સાથે જોડાતાં ઇન્ફેક્શન થવાનું જોખમ
વધી જાય છે. એ સિવાય લાઇફ એક્સ્પેકટન્સી એટલે કે જીવન લાંબુ ચાલવાની કોઇ જ ખાતરી આવી
સર્જરીમાં મળતી નથી. એઓટિક તેમજ માઇટલ વાલ્વ બંનેની સર્જરીમાં મહારથ ધરવાતા યુવા સર્જન
ડો. રોહન મકવાણા કહે છે કે, આવા જોખમોને વાલ્વ રિપેર સર્જરી ટાળી
શકે છે. `િવશ્વ હાર્ટ
દિવસ'ના અવસરે જ પોતાના કાકા અને માર્ગ મકાન વિભાગના
નિવૃત્ત કાર્યપાલક ઇજનેર અરવિંદભાઇ મકવાણાના ઘરે ભુજ આવેલા ડો. રોહને વાલ્વ રિપેર સર્જરીની
ભારપૂર્વક ભલામણ કરી હતી. - રિપેર પછી ગોળી નહીં : વાલ્વ રિપેર સર્જરી કર્યા પછી દર્દી સ્વસ્થ જીવન જીવી શકે છે.
કોઇ પણ ગોળી ખાવી પડતી નથી. સંયમ સાથે બધા પ્રકારનો ખોરાક પણ લઇ શકાય છે, તેવું યુવા તબીબ વિશ્વાસભેર કહે છે. બેંગ્લોરમાં
1200થી વધુ કાર્ડિયાક દર્દી સહિત
2500થી વધુ બેડની દેશની સૌથી મોટી
હોસ્પિટલ નારાયણા હૃદયાલયમાં આવી સફળ અને સલામત વાલ્વ રિપેર સર્જરી કરાય છે. બેંગ્લોરની
નારાયણા હૃદયાલય હોસ્પિટલે આર્થિક રીતે નબળા, ગરીબ દર્દીઓને પરવડે તેવા દરે અથવા ખાસ સંજોગોમાં સંપૂર્ણ વિનામૂલ્યે સર્જરી
માટે એક ટ્રસ્ટ પણ રચ્યું છે. આપણે દેશની 20 ટકા કાર્ડિયાક સર્જરી જ્યાં થાય છે તે બેંગ્લોરની નારાયણા હૃદયાલય
હોસ્પિટલ ચીન સિવાય એશિયાનું સૌથી મોટું કાર્ડિયાક સેન્ટર છે અને તેની આખા દેશમાં 22 હોસ્પિટલ છે. જાપાનમાં એઓટિક સર્જરી અને યુરોપમાં જર્મની
અને બેલ્જિયમમાંથી વાલ્વ રિપેર સર્જરી શીખીને ભારતમાં આવા ઓપરેશન કરતા ડો. રોહન મકવાણા
છ વર્ષથી ઢગલાબંધ વાલ્વ સર્જરીઓ કરી ચૂક્યા છે. - દરેક જિલ્લામાં જરૂરી : યુવા તબીબ કહે છે કે, જે રીતે અમદાવાદમાં યુ. એન. મહેતા છે તે જ રીતે ખાસ વાલ્વ રિપેર સર્જરીની સુવિધાવાળી
હોસ્પિટલો દરેક જિલ્લામાં હોવી જરૂરી છે. ડાયાબિટીસ, બ્લડપ્રેશર,
જંકફૂડ, વ્યસનના કારણે વાલ્વ ખરાબ થઇ શકે છે. આહાર-વિહારમાં
સંયમ, વ્યસનોથી દૂર રહી, નિયમિત કસરત,
ચાલવા જેવી ટેવો પાળવાની સલાહ તેમણે આપી છે. રિધમ સર્જરીમાં પણ કાબેલ
તબીબ ડો. રોહન મકવાણા કહે છે કે, હૃદયના ધબકારા અચાનક વધી કે
ઘટી જતા હોય છે. હૃદયની ચાર ચેમ્બર સાથે જોડાયેલી આ સર્જરી પણ ભારે મહત્ત્વ ધરાવે છે.
તેઓ તેમના કાકા અરવિંદ મકવાણા ભુજમાં રહે છે તેમની પાસે આવ્યા હોવાથી આ મુલાકાત શક્ય
બની હતી.