નવી દિલ્હી, તા. 29 : વેસ્ટ ઇન્ડિઝ
સામે પ્રથમ વન-ડેમાં વિરાટ કોહલીની વિસ્ફોટક અને અણનમ ઇનિંગ્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં
100 સદીઓના અશક્ય જણાતા કીર્તિમાનની
ચર્ચાને ફરી જીવંત કરી દીધી છે. ભારતીય ટીમના પૂર્વ સાથી આજિંક્ય રહાણેનું માનવું છે
કે જો કોહલી આ લક્ષ્યને પોતાના મનમાં નક્કી કરી લે,
તો ક્રિકેટના આ સૌથી મોટા શિખર સુધી પહોંચવાની સંપૂર્ણ ક્ષમતા તેનામાં
છે જ. ત્રિવેન્દ્રમ ખાતે રમાયેલી મેચમાં 37 વર્ષીય વિરાટ કોહલીએ વિન્ડીઝ
સામે 88 બોલમાં અણનમ 139 રન કર્યા હતા. આ તેની વન-ડે
કારકિર્દીની 55મી અને એકંદરે 86મી આંતરરાષ્ટ્રીય સદી હતી. રહાણેએ દલીલ
કરી હતી કે પોતાની જાત પાસેથી અપેક્ષાઓનું દબાણ જ કોહલીને અસાધારણ પ્રદર્શન કરવા પ્રેરિત
કરે છે. મને લાગે છે કે જ્યારે વિરાટ કોહલી પોતાની જાત પર દબાણ લાવે છે, ત્યારે તે પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં હોય
છે. તેણે પોતાની દરેક યાદગાર ઇનિંગ્સમાં આ જ કર્યું છે. તેને પોતાની પાસેથી ઘણી મોટી
અપેક્ષાઓ હોય છે અને આ જ કારણ છે કે તે આટલા લાંબા સમયથી સતત રન બનાવી રહ્યો છે. તેણે વધુમાં ઉમેર્યું કે, વિરાટનો રોલ મોડેલ સચિન તેંડુલકર રહ્યો છે. તેથી જો તે 100 સદીઓ વિશે વિચારતો હોય તો તેમાં
કશું ખોટું નથી. મને ખાતરી છે કે તેના મગજમાં આ વિચાર ક્યાંક ને ક્યાંક ચોક્કસ હશે.
અને જો તે મક્કમ નિર્ધાર કરી લે, તો આ
રેકોર્ડ સુધી પહોંચવાની તાકાત વિરાટ કોહલી પાસે જ છે. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ
લીધા બાદ વિરાટ કોહલીના બાટિંગ અભિગમમાં નોંધપાત્ર અને આક્રમક પરિવર્તન સ્પષ્ટ નજરે
પડે છે.