• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

ભારત-મ્યાંમાર સરહદે હુમલો : એક જવાન શહીદ

નવી દિલ્હી, તા. 29 : આજે અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં ભારત-મ્યાંમાર સરહદ પર શંકાસ્પદ આતંકવાદીઓએ પેટ્રાલિંગ ટીમ પર હુમલો કર્યો હતો, જેમાં આસામ રાઇફલ્સનો એક સૈનિક શહીદ થયો હતો અને ચાર અન્ય ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના સવારે 6:30 વાગ્યે નામપોંગ સર્કલ હેઠળ નામપોંગ નાલા નજીક બની હતી, જ્યારે 21મી આસામ રાઇફલ્સના સૈનિકો એક એવા વિસ્તારમાં પેટ્રાલિંગ કરી રહ્યા હતા જ્યાં સરહદ પર વાડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. પ્રારંભિક અહેવાલો અનુસાર સંદિગ્ધ આતંકવાદીઓએ પેટ્રાલિંગ ટીમ પર ગોળીબાર કર્યો હતો, જેમાં હવાલદાર જાનખોકાઈ કુકી (42) શહીદ થયા હતા અને અન્ય ચાર સૈનિકો ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. જો કે, તેમની સ્થિતિ હજુ સુધી જાણી શકાઇ નથી. અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારમાં કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે, એનએસસીએન (કે-વાયએ) સાથે જોડાયેલા આતંકવાદીઓ આ હુમલામાં સામેલ હતા. જો કે, હુમલાખોરોની ઓળખ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ચાંગલાંગ પોલીસ અધીક્ષક કિર્લી પાદુએ જણાવ્યું હતું કે, તેમને આ ઘટના વિશે માહિતી મળી છે અને તેમણે ચાંગલાંગ પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારીને વિગતો એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો છે. એસપીએ કહ્યું, અમને ભારત-મ્યાંમાર સરહદ પર બનેલી ઘટના વિશે માહિતી મળી છે અને ચાંગલાંગ પોલીસ સ્ટેશનના ઓસીને તેની સંબંધિત માહિતી એકત્રિત કરવા કહ્યું છે. ચાંગલાંગ જિલ્લામાં ભારત-મ્યાંમાર સરહદ આ વિસ્તારમાં અને આંતરરાષ્ટ્રીય સરહદની પેલે પાર બળવાખોર જૂથોની પ્રવૃત્તિઓને કારણે સંવેદનશીલ રહી છે. ઉલ્લેખનીય છે કે, ચાંગલાંગ જિલ્લો મ્યાંમારને અડીને સરહદ પર આવેલો છે અને અહીં અનેક જગ્યાએ સરહદ સંપૂર્ણ રીતે વાડથી બંધ નથી. ગાઢ જંગલ, પહાડી માર્ગો અને સરહદ પર આવાગમનને કારણે સલામતી દળો માટે આ ક્ષેત્ર પડકારરૂપ રહે છે. પૂર્વોત્તરના આ ભાગમાં કેટલાક વિદ્રોહી જૂથ સક્રિય છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd