• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

મુંદરાના આપઘાત કેસમાં આરોપીનો છુટકારો

ભુજ, તા. 29 : ગત તા. 14/7/2020ના મુંદરાના વર્ધમાન નગરમાં પોતાના મકાનમાં નીતાબેન મહેશભાઇ રાજગોરે સવારે ઊઠી પોતે પોતાની જાતે શરીરે કેરોસીન છાંટી આગ ચાંપી હતી અને 12 દિવસ બાદ તા. 27/7નાં તેનું મૃત્યુ થયું હતું. આ બારામાં નીતાબેન દ્વારા મુંદરા પોલીસ સ્ટેશન મથકે આરોપીઓ હિતેષભાઇ વસંતભાઇ અબોટી, મંછાબા ટપુભા જાડેજા. મૂરજી ખીમરાજ ગઢવી, દેવેન્દ્રસિંહ મહિપતસિંહ પરમાર, નિકુંજકુમાર પ્રેમજીભાઇ ઠક્કર, સંજયભાઇ નાનજીભાઇ પરમાર તથા ચાલતાં કામે મરણ જનાર કિરીણભાઇ બાબુભાઇ કોટિયારવાળા સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો કે, મરણ જનાર નીતાબેનના પતિ મુંદરા ખાતે આવેલી રાજગોર સમાજવાડીના મહામંત્રી હતા અને સમાજવાડીની ચાવી તેમના પાસે રહેતી હતી અને કોરોનાવાળી વ્યક્તિઓને બહારથી મુંદરા ખાતે સમાજવાડીમાં રહેવા જણાવ્યું હોઇ તેને કારણે આજુબાજુવાળાઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો, જેથી નીતાબેને કેરોસીન છાંટી આગ ચાંપી લીધી હતી. તેણીને સારવાર અર્થે પ્રથમ મુંદરા સરકારી હોસ્પિટલ તથા ત્યારબાદ એકોર્ડ હોસ્પિટલ-ભુજમાં સારવાર કરાવવામાં આવી પરંતુ તેઓ વધુ બળી જતાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ કામે મુંદરા પોલીસે સાત આરોપીની અટક કરી હતી. ટ્રાયલ દરમ્યાન આરોપી કિરીણભાઇ બાબુભાઇ કોટિયાર મરણ પામતાં બાકીના 6 આરોપીઓ સામે અધિક સેશન્સ જજ ભુજની કોર્ટમાં ચાર વર્ષ ટ્રાયલ ચાલી હતી જેમાં આરોપીઓ સામેનું તહોમતનામું ફરિયાદ પક્ષ શંકારહિત સાબિત કરવામાં નિષ્ફળ જતાં તમામ આરોપીઓને અધિક સેશન્સ જજ દ્વારા તમામ ગુનાઓ સંબંધે શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આરોપીઓ તરફે સિનિયર એડવોકેટ ડી. વી. ગઢવી, વાય. વી. વોરા, એ. એન. મહેતા, એચ. કે. ગઢવી, એસ. એસ. ગઢવીએ હાજર રહી કેસ ચલાવી અને દલીલો કરી હતી. - ખૂનના ગુનામાં મામા નિર્દોષ : રમેશ કરશન દાતાણિયા (મોટા લાયજા, તા. માંડવી)એ તેના ભાણેજ નીતેશ બાબુલાલ વેલજી દાતાણિયાને મારી નાખવાની ફરિયાદ માંડવી પોલીસમાં બનેવીએ કરી હતી. તા. 9/5/2019ના ખેતરમાં પાણી ખેંચવાની મોટરના સ્પેરપાર્ટસ અલગ કરીને ચોરી કરતો હતો. તે સમયે ભાણેજ નીતેશ જોઇ જતાં તેની સાથે ઝપાઝપી જતાં ભાણેજને બોથડ પદાર્થ વડે ગંભીર ઇજા કરીને મોત નીપજાવવામાં આવ્યું હતું. ત્રીજા અધિક સેશન્સ જજ, ભુજની કોર્ટમાં કેસ ચાલી જતાં કોર્ટે 40 દસ્તાવેજી આધારો અને 31 સાહેદોને તપાસ્યા હતા. તહોમતદારના બચાવ માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના પેનલ એડવોકેટ વી. સી. માંડલિયાની નિમણૂક કરવામાં આવી હતી. ફરિયાદ મોડી કરવામાં આવી છે, બનાવ અકસ્માતનો છે, તેને ખોટી રીતે ખૂનના ગુના તરીકે દર્શાવવામાં આવ્યું છે. નજરે જોનારા કોઇ સાક્ષી નથી, ફક્ત વહેમ અને શંકાના અધારે ફરિયાદ કરવામાં આવી હોવાની દલીલો કરવામાં આવી હતી. કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd