ભુજ, તા. 29 : પશ્ચિમ વિક્ષોભ સક્રિય થવાના
કારણે કચ્છ સહિત રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે. હવામાન વિભાગે બુધથી શુક્ર
દરમિયાન કેટલાક સ્થળે ગાજવીજ સાથે હળવો-મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી છે. હાલમાં જિલ્લામાં
અનુભવાતા વિષમ વાતાવરણ વચ્ચે વહેલી સવારના અરસામાં ઝાકળવર્ષાથી ભીનો માહોલ છવાયેલો
જોવા મળે છે. કચ્છમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઇ લીધી છે. ચોમાસાની વિદાયરેખા
પણ નલિયા અને ડીસા પાસેથી પસાર થઇ રહી છે. ચોમાસાની વિદાયની શરૂ થઇ ગયેલી પ્રક્રિયા
વચ્ચે હવામાન વિભાગે પવન-ગાજવીજ સાથે બુધથી શુક્ર દરમિયાન રાજ્યની સાથે કચ્છના કેટલાક
વિસ્તારમાં હળવો વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન નિષ્ણાતોના મતે
પશ્ચિમી વિક્ષોભ સક્રિય થતાં વરસાદી માહોલ સર્જાઇ શકે છે. જિલ્લા મથક ભુજમાં મહત્તમ
તાપમાન ઊંચકાઇ 35 ડિગ્રીએ પહોંચતાં દિવસે ગરમીનો
અનુભવ થયો હતો. નલિયામાં 23 ડિગ્રી લઘુતમ
તાપમાને સવારના ભાગે વાતાવરણમાં શીતળતા વર્તાઇ હતી. જિલ્લાના અન્ય મથકોમાં 33થી 35 ડિગ્રી મહત્તમ સામે 23થી 26 ડિગ્રી લઘુતમ
તાપમાન નોંધાયું હતું. દરમિયાન જિલ્લામાં ઋતુ પરિવર્તનના એંધાણ મળી રહ્યા હોય તેમ વહેલી
સવારના ભાગે ભેજના ઊંચા પ્રમાણ સાથે જિલ્લાના અનેક વિસ્તારોમાં ઝાકળવર્ષા વરસવાનાં
કારણે વાતાવરણમાં ભીનાશ જોવા મળી હતી. જો કે, દિવસ ચડતાં તાપ-ઉકળાટે પોતાની હાજરી પુરાવી હતી.