વિથોણ (તા. નખત્રાણા), તા. 29 : મિની તરણેતર
સમાન મોટા યક્ષના મેળાના ત્રીજા દિવસે ગામઠી પ્રજા પરંપરાગત પહેરવેશમાં ઊમટી પડતાં
ભાતીગળ લોકસંસ્કૃતિનાં દર્શન થયાં હતાં અને કલેક્ટરે ટ્રાફિક, સુરક્ષા વ્યવસ્થાને બિરદાવી હતી. મેળામાં કચ્છ
સહિત જિલ્લા બહારથી માણીગરો આવે છે અને આજે બુધવારે મેળાનો અંતિમ દિવસ હોઈ મેળામાં
મહાલવા જનમેદની ઊમટી પડશે. કલેક્ટર અનિલ રાણાવસિયાએ મેળાની વ્યવસ્થા તેમજ નલિયા ડીવાયએસપી
મનીષા દેસાઈ, નખત્રાણા પી.આઈ. અલ્પેશ પટેલ દ્વારા કરાયેલી સુરક્ષા
વ્યવસ્થા, ટ્રાફિક સંબંધેની કામગીરી બિરદાવી હતી. મેળા સમિતિ
અધ્યક્ષ જયંતીભાઈ નાકરાણી, ધીરજભાઈ નાકરાણી, જગદીશ પટેલ, મહિપતસિંહ જાડેજા, જખરાજજી વગેરેએ ગોઠવેલી 600થી વધુ સ્ટોલ સહિતની વ્યવસ્થાની પણ કલેક્ટરે પ્રશંસા કરી હતી.
મેળામાં ચગડોળ, બ્રેકડાન્સ સહિતની વિવિધ
રાઈડ તેમજ ખાણીપીણી, કટલેરી, રમકડાં સહિતના
વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.