• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

માતાના મઢમાં નવરાત્રિ ઉજવણીની તૈયારી

માતાના મઢ (તા. નખત્રાણા), તા. 29 : માતાના મઢ ખાતે આજે આસો નવરાત્રિ પર્વની ઉજવણીની તૈયારી માટે નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્વલના અધ્યક્ષ સ્થાને તમામ સરકારી વિભાગો, મઢ જાગીર અને ગ્રામ પંચાયત સાથે બેઠક યોજાઇ હતી, જેમાં અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.તા. 7/10થી લઇ તા. 20/10 સુધી 13 દિવસ માટે પોલીસ બંદોબસ્ત, પાણી પુરવઠા, પી.જી.વી.સી.એલ., આરોગ્ય, વન વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ, જી.એમ.ડી.સી., તા.પં., દયાપર મામલતદાર ઓફિસ સહિતના વિભાગો મઢ જાગીર સાથે સંકલનમાં રહી નવરાત્રિ મહોત્સવમાં આવતા યાત્રીઓ, પદયાત્રીઓ માટેની વ્યવસ્થા ગોઠવશે. ધારાસભ્ય શ્રી જાડેજાએ વાહન પાર્કિંગ વ્યવસ્થા સહિત વિવિધ મુદ્દે સૂચનો કર્યાં હતાં. તેમણે પાર્કિંગ પ્લોટ ઉપર રૂબરૂ મુલાકાત લઇ પ્રાંત અધિકારી સાથે ચર્ચા કરી હતી. દયાપર મામલતદાર નવીનચંદ્રભાઇ મારૂએ નવરાત્રિ પર્વના આયોજનનો માસ્ટર પ્લાન ઘડી વિવિધ ઉપસ્થિત અધિકારીઓને સમજણ આપી હતી. તા. વિકાસ અધિકારી શ્રી ચંદેએ સ્વચ્છતા, પ્લોટ વિતરણ, પીવાનાં પાણી વિશે મઢ ગ્રામ પંચાયતને સૂચનો કર્યાં હતાં. એસ.ટી. વિભાગને વધુ બસો ફાળવવા તેમજ ભુજ-માંડવી-અબડાસાના યાત્રીઓને રિટર્ન જવા ચાચરા કુંડના ઉપરના ભાગે પીકઅપ બસ પોઇન્ટ બનાવવા સૂચના અપાઇ હતી. માતાના મઢ જાગીર ટ્રસ્ટે દર વર્ષની જેમ મઢથી રવાપર જતા દોઢ કિલોમીટરે મેગા કેમ્પ પદયાત્રીઓ માટે રખાશે, જેમાં નાહવા-ધોવા, રાતવાસો કરવા તથા ચા-પાણી, નાસ્તો, મેડિકલ સેવા સાથે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવશે. ટ્રસ્ટી ખેંગારજી જાડેજાએ માહિતી આપતાં જણાવ્યું કે, મઢના અન્નક્ષેત્રમાં છેલ્લા 36 વર્ષથી ઓધવરામ સેવા સમિતિના નેજા હેઠળ, કનૈયાલાલ કટારિયા પરિવાર દ્વારા ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. આ વર્ષે પણ તેઓ અન્નક્ષેત્રની વ્યવસ્થા સંભાળશે અને 24 કલાક સુધી યાત્રીઓ મહાપ્રસાદનો લાભ લઇ શકશે. દર વર્ષે આ દિવસોમાં પીવાનાં પાણીની ખેંચ આવતી હોય છે, તે માટે નર્મદાનું વધારાનું 15 એમએલડી પાણી મળી રહે તેવી સૂચના પાણી પુરવઠા વિભાગને આપવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને તમામ ખાણી-પીણીના સ્ટોલની ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે. આરોગ્ય વિભાગને એમ્બ્યુલન્સ સહિતની સેવા 24 કલાક ચાલુ રાખવાનું જણાવાયું છે. પોલીસ બંદોબસ્ત માટે એસ.પી. ઓફિસ કક્ષાએ પ્લાનિંગ ચાલી રહ્યું છે તેવું પી.આઇ. જે. બી. કુનિયાએ જણાવ્યું હતું. એસ.ટી. વિભાગના અધિકારી શ્રી પટેલે જણાવ્યું કે, આ વર્ષે બસના રૂટમાં ફેરફાર કરાશે અને 170થી વધુ બસો ફાળવવાનો લક્ષ્યાંક છે. તા. 7/10થી હંગામી બસ ડેપો ચાલુ કરવામાં આવશે. આ મિટિંગમાં વિનોદભાઇ સોલંકી, સરપંચ કાસમભાઇ કુંભાર, ઉપસરપંચ હિતેષભાઇ મહેશ્વરી, રામજીભાઇ, મયૂરસિંહ જાડેજા તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. - 11મા શ્રાદ્ધથી પદયાત્રી પ્રવાહ શરૂ થઇ જવાની સંભાવના : 11મા શ્રાદ્ધ પક્ષના દિવસથી પદયાત્રીઓનો પ્રવાહ શરૂ થઇ જવાની સંભાવના જોતાં મઢ જાગીર અને મંદિરના ભૂવા પૂજારી દ્વારા તા. 7/10થી તા. 19/10 સુધી સવારે પાંચ વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી મંદિરના કપાટ ખુલ્લા રાખવાનો નિર્ણય લેવાયો છે. સાતમ-હવનની રાત્રિએ પરંપરા મુજબ આખી રાત મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd