લંડન, તા. 11 : ઐતિહાસિક લોર્ડસના
મેદાનમાં ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ નેટ સિવર
બ્રન્ટ અને એમી જોન્સના સંઘર્ષ બાદ 170 રનમાં
સમેટાઈ હતી. આ સાથે જ ભારતીય ટીમને 115 રનની
લીડ મળી હતી. ભારત તરફથી ક્રાંતિ ગૌડે તરખાટ મચાવતા પાંચ વિકેટ લીધી હતી. દિવસના અંતે
ભારતે એક વિકેટે 154 રન બનાવી મજબૂત સ્થિતિ
મેળવી લીધી હતી. સ્મૃતિ મંધાના 69 અને યાસિકા ભાટિયા
39 રને દાવમાં છે. ભારતે પહેલી ઈનિંગ્સમાં 285 રન કર્યા બાદ ઈંગ્લેન્ડે એક સમયે માત્ર 47 રનમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન નેટ બ્રન્ટ અને
એમી જોન્સે બાજી સંભાળી હતી. બન્ને વચ્ચે 84 રનની
મહત્વની ભાગીદારી થઈ હતી. જો કે એમી જોન્સની વિકેટ પડયા બાદ ઈંગ્લેન્ડની ટીમ લાંબો
સ્કોર કરી શકી નહોતી. એમી 52 રન કરીને આઉટ થયાના
અમુક સમયમાં જ બ્રન્ટ પણ 44 રન કરીને પેવેલિયન
પરત ફરી હતી. બાદમાં કોઈપણ ખેલાડી ટકી શકી નહોતી અને ઈંગ્લેન્ડની ટીમ 170 રનમાં ઓલઆઉટ થઈ હતી. 115 રનની લીડ સાથે ભારતે બીજી ઈનિંગ્સ શરૂ કરી હતી. જેમાં
સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ મજબૂત શરૂઆત અપાવી હતી.