• રવિવાર, 12 જુલાઈ, 2026

ગાંધીધામ મનપા દ્વારા ટાઉનહોલ નવીનીકરણની તૈયારી

ગાંધીધામ, તા. 11 : ગાંધીધામ મહાનગરપાલિકાએ સ્વભંડોળની આવક વધારવા માટે ઉચિત પગલાં ભરવાં જરૂરી છે, જેના ભાગરૂપે જ અલગ-અલગ પ્રકલ્પ લાવવામાં આવશે, ઉપરાંત જે હયાત મિલકતો છે તેને સુશોભિત અને યોગ્ય નવીનીકરણ કરીને આવક મેળવવાનો સ્રોત ઊભો કરવામાં આવશે.  તેના  ભાગરૂપે સેક્ટર વિસ્તારમાં આવેલા  મહાનગરપાલિકા હસ્તકનાં રામલીલા મેદાનની બાજુના ટાઉનહોલનું નવીનીકરણ કરવા માટે યોગ્ય ડિઝાઇનો મગાવવામાં આવી છે.   અગાઉ તત્કાલીન કમિશનર મનીષ ગુરુવાણી સમયે આ ટાઉનહોલનું 10 કરોડના ખર્ચે નવીનીકરણ કરાવાનું હતું, તેવામાં ચૂંટણી આવી અને તે પછી બોડીની રચના થઈ એ દરમિયાનનો સમયગાળો ઘણો વીતી ગયો હતો, ત્યારબાદ પદાધિકારીઓએ સમીક્ષા કરી હતી અને તેમાં 10 કરોડ જેવી માતબર રકમ ખર્ચ કરવી યોગ્ય ન લાગતાં તત્કાલ સમયે નવીનીકરણનો પ્રકલ્પ સ્થગિત કરાયો હતો. સરકાર અને સંગઠનમાંથી બિનજરૂરી રૂપિયાનો વેડફાટ કરવાની સ્પષ્ટ મનાઇ છે, જે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટની જરૂરિયાત હોય તેને તુરંત સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે, તો સરકાર દ્વારા રૂપિયાની ફાળવણી કરવામાં આવશે તેવી ખાતરી અને આશ્વાસન આપવામાં આવ્યા છે.  ટાઉનહોલનાં નવીનીકરણ માટે સરકારમાંથી ગ્રાન્ટ આવી છે, એટલે હવે મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા ટાઉનહોલનું યોગ્ય નવીનીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાં પગલે એજન્સીઓ પાસેથી અલગ-અલગ ડિઝાઇનો મગાવવામાં આવી છે, કઈ ડિઝાઇન યોગ્ય રહેશે તેનો નિર્ણય કર્યા બાદ જ ટાઉનહોલનાં નવીનીકરણની પ્રક્રિયા કરવામાં આવશે, તેવું જવાબદારોએ જણાવ્યું હતું.

Panchang

dd