• રવિવાર, 12 જુલાઈ, 2026

નેતૃત્વ તાલીમ થકી ગામના વિકાસને આગળ વધારવાનો કોલ

ભુજ, તા. 11 : કચ્છ માટે ગૌરવની બાબત છે કે દેશભરની ચૂંટાયેલી મહિલા જનપ્રતિનિધિઓ માટે દિલ્હી ખાતે આયોજિત પ્રતિષ્ઠિત `શી રિપ્રેઝન્ટ્સ 2026' રાષ્ટ્રીય સ્તરના નેતૃત્વ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાની મહિલા સરપંચોની પસંદગી થઈ હતી. આ કાર્યક્રમમાં કચ્છની બે મહિલા સરપંચે ભાગ લઈ સાત દિવસીય તાલીમ પૂર્ણ કરી છે. આ કાર્યક્રમનું આયોજન ઇન્ડિયન સ્કૂલ ઓફ ડેમોક્રેસી, નવી દિલ્હી દ્વારા કરાયું હતું. ઇન્ડિયન સ્કૂલ ઓફ ડેમોક્રસી દેશભરમાં લોકશાહી મૂલ્યો, બંધારણીય અધિકારો, સમાનતા, જવાબદાર નેતૃત્વ અને નાગરિક સહભાગિતાને મજબૂત બનાવવા માટે કાર્યરત અગ્રણી સંસ્થા છે. કચ્છ મહિલા વિકાસ સંગઠનના સહયોગ અને માર્ગદર્શનથી આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ માટે કચ્છ જિલ્લામાંથી ત્રણ મહિલા સરપંચની પસંદગી થઈ હતી, જેમાં રતિબેન રબારી (સરપંચ -હાજાપર), કૃપા ભગત (સરપંચ -થરાવડા) અને ભાવનાબેન વિરડા (સરપંચ બિટ્ટા-વલાડિયા)નો સમાવેશ થયો હતો. આ ત્રણમાંથી રતિબેન રબારી અને કૃપાબેન ભગતે કાર્યક્રમમાં હાજરી આપી તાલીમ પૂર્ણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન મહિલા સરપંચોએ લોકશાહી અને બંધારણીય મૂલ્યો, મહિલા નેતૃત્વ, ગ્રામ સ્વરાજ, સ્થાનિક સ્વરાજ્ય વ્યવસ્થા, સામૂહિક નેતૃત્વ, અસરકારક નિર્ણય પ્રક્રિયા, લિંગ સમાનતા, ગ્રામ વિકાસ અને સશક્ત શાસન જેવા વિવિધ વિષયો પર દેશના અગ્રણી નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. ઉપરાંત, ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલી મહિલા જનપ્રતિનિધિઓ સાથે વિચારો અને અનુભવોની આપ-લે કરીને સફળ વિકાસ મોડેલો અને નવીન પહેલોની સમજ મેળવી હતી. તાલીમ પૂર્ણ કરીને પરત ફરેલી બંને મહિલા સરપંચ હવે પોતાના ગામોના સર્વાંગી વિકાસ માટે વધુ આત્મવિશ્વાસ, નવી દૃષ્ટિ અને અસરકારક નેતૃત્વ સાથે કાર્ય કરશે. તાલીમ દરમિયાન પ્રાપ્ત થયેલા જ્ઞાન અને અનુભવોનો ઉપયોગ ગામના વિકાસકાર્યોને વધુ અસરકારક રીતે આગળ વધારવા માટે કરશે.

Panchang

dd