નલિયા, તા. 11 : અબડાસા તાલુકાના કોઠારા ગામની અબોલ પશુધનના હકની અંદાજીત
1400 એકર જેટલી કિંમતી ગૌચર જમીન (વિવિધ સર્વે નંબરો પૈકી)
પર સ્થાનિક ભુમાફિયાઓએ ગેરકાયદે કબ્જો જમાવીને ખેતી, ગેરકાયદે વીજ-સોલાર કનેક્શનો અને પાકા મકાનો તાણી બાંધ્યા
હોવાનો મામલો બહાર આવ્યો છે. ગંભીર મુદ્દે વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ
ધરી કાગળ પર 600 એકર જમીન મુક્ત કરાવી
હોવાના દાવા કરાયા હતા, પરંતુ
વાસ્તવિકતામાં માત્ર 50થી 100 એકર જમીન ખાલી થઈ હતી. હદ તો ત્યાં છે કે તંત્રની ઢીલી
નીતિના કારણે આ ખાલી કરાયેલી જમીન પર પણ આજે ફરી પાછું બેરોકટોક કપાસનું વાવેતર ધમધમી
રહ્યું છે. ભુમાફિયાઓની દાદાગીરી અને તંત્રની
આંખ આડા કાન કરવાની નીતિ સામે કોઠારા પંચાયતમાં આવતા ગામ ભેદી ના જાગૃત નાગરિક ધલ જટુબા
માનસંગજીએ મોરચો માંડ્યો છે. તેમણે અગાઉ અબડાસા મામલતદારને લેખિત રજૂઆત કરી હતી, છતાં કોઈ પરિણામ ન આવતાં આખરે ગત તારીખ
03/07/2026ના રોજ નિયત ફી ભરીને 'ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ
કાયદો-2020' (લેન્ડ ગ્રાબિંગ એક્ટ) હેઠળ ઓનલાઈન ફરિયાદ નોંધી કાયદાકીય
શસ્ત્ર ઉગામ્યું છે. આખા મામલામાં કાયદેસરની
કાર્યવાહી કરવાના બદલે સ્થાનિક ગ્રામ પંચાયત ભેદી મૌન સેવીને બેઠી હોવાથી, અરજદારે સીધા ગુજરાતના મુખ્યમંત્રી
અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં અરજીઓ મોકલી ન્યાયની ગુહાર લગાવી છે. કરોડોની જમીન પચાવી
પાડનારા આ ભુમાફિયાઓ સામે કલેક્ટર તંત્ર હવે કેવા કડક પગલાં ભરે છે તેના પર સમગ્ર પંથકની
મીટ મંડાયેલી છે.