નવી દિલ્હી, તા. 11 : હોંશભેર ફરવા ગયેલા
ભારતીય પર્યટકો માટે વિયેતનામ પ્રવાસ વસમો,
જીવલેણ બની ગયો હતો. ફુક્વોક ટાપુ પાસે શનિવારે એક નૌકા પલટી જતાં 15 ભારતીય પ્રવાસીનાં કરુણ મોત થઇ ગયાં હતાં. મૃતકોમાં
બે મહિલા સામેલ છે. આ બોટમાં 32 ભારતીય સહિત કુલ 36 યાત્રી સવાર હતા, જેમાંથી 21 લોકોને
સલામત બચાવી લેવાયા હતા. છેલ્લાં કેટલાંક વર્ષથી ભારતીય પર્યટકોમાં ભારે લોકપ્રિય બનેલો
ફુક્વોક વિયેતનામનો સૌથી મોટો ટાપુ છે. જીવલેણ દુર્ઘટના સર્જાઇ ત્યારે દરિયામાં ઊંચે
સુધી મોજાં ઉછળી રહ્યાં હતાં. આજે સવારે 10-30 વાગ્યે
નૌકા પલટી ત્યારે ચીસાચીસ મચી ગઇ હતી. લાઇફ જેકેટ પહેર્યા વગર સમુદ્રી સફર કરી રહેલા
પર્યટકોએ પલટી ગયેલી નાવ નીચે ફસાઇને ડૂબી જતાં જીવ ખોયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે,
જીવ ખોનાર પર્યટકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. બોટ ભારતીય
પર્યટકોને `હોન મેરૂટ'થી ન્ગોઆઇ ટાપુ તરફ ફરવા લઇ જઇ રહી
હતી, પરંતુ કાંઠાથી 400 મીટર પહેલાં જ પલટી ગઇ હતી. ભારતીય દૂતાવાસે કહ્યું
હતું કે, અમે સતત સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં
છીએ. પીડિતોને દરેક સંભવ મદદ કરવા માટે અમારી તૈયારી છે. ગોઝારી દુર્ઘટનામાં જીવ ખોનાર
ભારતીય પર્યટકોમાંથી 10 તામિલનાડુના, ત્રણ પ્રવાસી આંધ્રપ્રદેશના અને બે
કેરળના છે. દરમ્યાન, તામિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયે મૃતકોના
પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં મૃતદેહો જલ્દી ભારત લાવવા માટે જરૂરી પગલાં લેવાનો
અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો.