લોસ એન્જેલ્સ, તા. 11 : ફિફા વર્લ્ડકપની ક્વાર્ટર
ફાઇનલમાં સ્પેને શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બેલ્જિયમને 2-1થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સ્પેનની
જીતનો હીરો મિકેલ મેરિનો હતો, જેણે મેચની 88મી મિનિટે અવેજી ખેલાડી
તરીકે વિજયી ગોલ કર્યો. આ ગોલ સાથે મિકેલ મેરિનોએ ફિફા વર્લ્ડકપમાં ઇતિહાસ રચ્યો છે.
મેરિનોએ અગાઉ પોર્ટુગલ સામેની રાઉન્ડ ઓફ 16 મેચમાં
સબસ્ટિટયૂટ ખેલાડી તરીકે વિજયી ગોલ કર્યો હતો. તેણે બેલ્જિયમ સામે પણ આ સિદ્ધિનું પુનરાવર્તન
કર્યું. મેરિનો બે વર્લ્ડકપ નોકઆઉટ મેચમાં સબસ્ટિટયૂટ ખેલાડી તરીકે ગોલ કરનાર વિશ્વનો
પ્રથમ ખેલાડી બન્યો છે. તે બે ફિફા વર્લ્ડકપ મેચમાં 80 મિનિટ પછી વિજેતા ગોલ કરનાર સ્પેનનો પ્રથમ ખેલાડી પણ
બન્યો હતો. સ્પેને આ વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં
કુલ છ મેચ રમી છે, જેમાંથી
મેરિનોને ફક્ત એક જ મેચમાં શરૂઆતના અગિયારમાં સ્થાન મળ્યું છે. તે પાંચ મેચમાં સબસ્ટિટયૂટ
ખેલાડી તરીકે રમ્યો છે અને ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સ્પેને શરૂઆતથી
જ બેલ્જિયમ સામે આક્રમક રમત રમી હતી. મેચની 30મી મિનિટે ફેબિયન રુઇઝે સ્પેન માટે પહેલો ગોલ કર્યો. લેમિન યામાલના શાનદાર
રન બાદ, પેડ્રો પોરોએ બોક્સમાં લો ક્રોસ પહોંચાડ્યો,
પરંતુ બેલ્જિયમના ગોલકીપર થિબાઉટ કોર્ટોઇસ દાની ઓલ્મોના શોટને રોકવામાં
નિષ્ફળ ગયો હતો. જો કે, રુઇઝે રિબાઉન્ડ પર શાનદાર શોટ લીધો અને
બોલને ગોલ પોસ્ટમાં મોકલી દીધો હતો. જો કે, બેલ્જિયમે પહેલા હાફમાં
સ્કોર 1-1થી બરાબરી કરી દીધી. 42મી મિનિટે ચાર્લ્સ ડી કેટેલેરે બેલ્જિયમ માટે પહેલો
ગોલ કર્યો. ટીમોથી કાસ્ટાનેના શક્તિશાળી ક્રોસ પછી તેણે બોલને નેટમાં હેડ કર્યો હતો.
85 મિનિટ સુધી સ્કોર 1-1 રહ્યો. મેચ વધારાના સમયમાં જતી દેખાઈ રહી હતી, પરંતુ 86મી મિનિટે સ્પેનના કોચ મિકેલ મેરિનોને ટીમમાં લાવ્યા
અને તેણે માત્ર બે મિનિટ પછી ગોલ કરીને સેમિફાઇનલમાં સ્પેનની જગ્યા સુરક્ષિત કરી. હવે
મંગળવારે સેમિફાઇનલમાં સ્પેનનો સામનો ફ્રાન્સ સામે થશે.