• રવિવાર, 12 જુલાઈ, 2026

ગાંધીધામમાં દિનદહાડે ઘરમાં તોડફોડ કરીને રોકડની લૂંટથી ચકચાર

ગાંધીધામ, તા. 11 : ગાંધીધામના ગણેશનગરમાં ધોળા દિવસે લૂંટારુઓએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરીને રોકડ રકમની લૂંટ કરીને ભાગી છૂટયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાથી શહેરમાં ચકચાર મચી છે. આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ લખાય છે ત્યાં સુધીમાં પોલીસે વિધિવત ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. મળતી વિગતો મુજબ બપોરના અરસામાં શહેરના ગણેશનગર વિસ્તારમાં વાહનમાં આવેલા શખ્સોએ મહિલાના ઘરમાં ઘૂસીને તોડફોડ કરીને અંદાજિત 10 હજાર રૂપિયાની આસપાસની રોકડ રકમની લૂંટ કરીને ભાગી છૂટયા હતા. આરોપીઓ વાહન પણ લઈ ગયો હોવાની ચર્ચા છે. આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું જાણવા મળે છે. બનાવની જાણ થતાંની સાથે જ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જો કે, આ મામલામાં મોડી રાત સુધી ફરિયાદ ન થઇ  હોવાથી લૂંટનો સાચો અંક બહાર આવ્યો નથી, પરંતુ આ લખાય છે ત્યાં સુધીમાં ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે. ધોળા દિવસે ભરચક વિસ્તારમાં બનેલા બનાવથી ચકચાર મચી છે. શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સામે પણ સવાલ ઊભા થયા છે. ઘટનાથી લોકોમાં ભય ફેલાયો છે. આરોપીઓને પકડવા માટેની પોલીસે તજવીજ હાથ ધરી છે. કેટલાક શખ્સોને રાઉન્ડ-અપ  કરાયા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે.

Panchang

dd