• રવિવાર, 12 જુલાઈ, 2026

લિંડા નોસ્કોવા વિમ્બલ્ડન ચેમ્પિયન

લંડન, તા. 11 : વિમ્બલ્ડનના મહિલા સિંગલ્સ ફાઈનલમાં ઝેક ગણરાજ્યની બે ખેલાડી  વચ્ચે ટક્કર થઈ હતી. કેરોલિના મુચોવા અને લિંડા નોસ્કોવા વચ્ચે ખિતાબી જંગની મેચ રોચક બની હતી અને ત્રીજો સેટ રમાયો હતો. જો કે, નોસ્કોવાએ હમવતન મુચોવાને હરાવીને પહેલો વિમ્બલ્ડન ખિતાબ નામે કર્યો હતો. નોસ્કોવાએ ખિતાબી મુકાબલો 6-2, 5-7, 6-3થી પોતાના નામે કર્યો હતો. આ સાથે જ વિમ્બલ્ડન મહિલા ટૂર્નામેન્ટને નવી ચેમ્પિયન મળી હતી. બે કલાક 28 મિનિટ ચાલેલા મુકાબલામાં 21 વર્ષની નોસ્કોવાએ આજે તેની કારકિર્દીનો પ્રથમ ગ્રાન્ડસ્લેમ ખિતાબ જીત્યો હતો. લિંડાએ મુકાબલાની શરૂઆતની આક્રમક અંદાજ સાથે કરીને પહેલો સેટ 6-2થી જીતી લીધો હતો. બીજા સેટમાં બળૂકી રમત બતાવતાં તેણે 5-2થી સરસાઇ મેળવી હતી. જો કે, કેરોલિના મુચોવાએ જબરદસ્ત વાપસી કરી હતી અને બીજો સેટ 7-5થી જીતીને મુકાબલો નિર્ણાટક સેટ સુધી પહોંચાડયો હતો. ત્યારબાદ ત્રીજા અને અંતિમ સેટમાં શાનદાર સર્વિસ અને દમદાર ગ્રાઉન્ડ સ્ટ્રોક્સનાં બળે 6-3થી સેટ જીતીને મેદાન મારી લીધું હતું. 29 વર્ષીય કેરોલિના બીજીવાર કોઇ ગ્રાન્ડસ્લેમ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી હતી. અગાઉ 2023માં ફ્રેન્ચ ઓપન મહિલા સિંગલ્સ ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. લિંડા નોસ્કોવા છેલ્લા ચાર વર્ષમાં વિમ્બલ્ડનમાં મહિલા સિંગલ્સ ખિતાબ જીનાર ત્રીજી ચેક ખેલાડી બની ગઇ છે.

Panchang

dd