કૌશલ પાંધી દ્વારા : ભુજ, તા. 23 : પાંચ નાકા અને છઠ્ઠીબારી ખોલી
ભુજ શહેર પાંચ કિ.મી.માંથી પંચાવન કિ.મી.માં વિકસ્યું છે. સવા અબજથી વધુનું બજેટ ધરાવતી
ભુજ નગરપાલિકા હવે મહાનગરપાલિકાનો હોદ્દો મેળવવા તત્પર છે, ત્યારે નગરપાલિકાની ચૂંટણીમાં સત્તા મેળવવા
ભાજપ, કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ તો વર્ષોથી ભાજપે
નગરપાલિકાના મુકુટમાં કમળને મૂરઝાવા નથી દીધું, પણ તેમ છતાં કમળને
તરોતાજા રાખવા ચૂંટણી જીતવા પ્રયાસોમાં કોઈ કચાશ નથી રાખી, તો
વિપક્ષ પણ છેલ્લી ઘડી સુધી લડી લેવા મક્કમ બન્યો છે. કચ્છનું મુખ્ય મથક ભુજ આમ તો રાજકીય
અખાડા સમાન છે. કોઈ પણ ચૂંટણી હોય ત્યારે તેનું કેન્દ્રબિંદુ આ ઐતિહાસિક શહેર રહેતું
હોય છે. હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે ભાજપના ઉમેદવારો કરેલાં અને ભવિષ્યમાં કરવાનાં વિકાસકાર્યોનું ભાથું
મતદારો સમક્ષ ધરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ લોકોને વર્ષોથી સતાવતી
સમસ્યાઓ દર્શાવી મત માગી રહી છે. - આપના 21 ઉમેદવાર : ભુજ સુધરાઈના ચૂંટણી જંગમાં આપે પણ 21 જેટલા ઉમેદવારો ઉતારી ત્રિપાંખિયા
જંગનો શંખ ફૂંક્યો છે. સાફ છબી દર્શાવવા સાથે ભ્રષ્ટાચારરહિત શાસનની ખાતરી સાથે આપના
ઉમેદવારો પણ મતદારોનો સંપર્ક કરી રહ્યા છે, તો ગત વિધાનસભામાં નોંધપાત્ર મત મેળવનાર એ. આઈ. એમ. આઈ. એમ.ના ઉમેદવારો પણ
જંગમાં સામેલ છે. જો કે, ભાજપે વોર્ડ નં.-11ની ચારે ચાર સીટ અને વોડાનં.-4 અને 8ની એક-એક સીટ મળી 44માંથી છ બેઠક બિનહરીફ જીતી લઈ વિજય તરફના માર્ગે પ્રયાણ કરી
લીધું એટલે બાકીની 38 બેઠક માટે
મહાસંગ્રામ થશે. - વોર્ડ નં.
1-2-3માં જંગ જામશે : આમ તો વર્ષોથી કોંગ્રેસના ગઢ લેખાતા વોર્ડ
નં. 1-2 અને 3માં છેલ્લી બે ટર્મથી ભાજપે ગાબડાં પાડવાનું
શરૂ કર્યું, આ બાબત ધ્યાને લઈ કોંગ્રેસે
આ વખતે મજબૂત ઉમેદવારોની ફોજ ઉતારી હોવાથી તેમને મહાત આપવા ભાજપે પણ કમર કસી છે. અત્રે
ઉલ્લેખનીય છે કે, આ વોર્ડમાં આપ અને એઆઈએમઆઈએમની પણ હાજરી હોવાથી
આ પક્ષોના ઉમેદવારોના મત કોને નુકસાન પહોંચાડે છે તેના પર ચૂંટણીરસિયાઓ ગણિત માંડી
રહ્યા છે. - સૌથી વધુ
ઉમેદવાર : ભુજના 10 વોર્ડમાં ચૂંટણી જંગમાં સૌથી વધુ વોર્ડ નં. 1માં 15 ઉમેદવાર મેદાનમાં છે, જ્યારે સૌથી ઓછા વોર્ડ નં. 7માં 6 ઉમેદવાર વચ્ચે
જંગ જામશે. - અન્ય વોર્ડના સમીકરણો : વોર્ડ નં. 6માં કોંગ્રેસ પેનલ પૂરી કરવામાં પણ અસફળ
રહી છે. જો કે, ભૂતકાળના વિપક્ષી મજબૂત
નેતા રાજેન્દ્રસિંહ જાડેજા હવે ભાજપ તરફથી લડી રહ્યા છે, ત્યારે
તેની સામે એ જ જ્ઞાતિના કોંગ્રેસના અગ્રણીના પુત્ર નવદીપસિંહ જાડેજા ચૂંટણી મેદાનમાં
ઊતરવા સાથે પક્ષે તેને જીતાડવા માટેના તમામ પ્રયત્નો શરૂ કરી દીધા છે. તો વોર્ડ નં.
આઠ વિવિધ આક્ષેપોને પગલે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. જો કે, આ વોર્ડમાં ભાજપે એપીએમસીથી લઈ નગરસેવક તરીકેની કામગીરી સાથે વર્ષોથી ચૂંટણીઓનો
અનુભવ ધરાવતા મનુભા જાડેજાને ટિકિટ ફાળવી છે, ત્યારે તેમની સામે
વિપક્ષ આકરાં પાણીએ હોવાથી જંગ જામશે. ઉપરાંત વોર્ડ નં. પાંચમાં પીઢ કોંગ્રેસી અને
અગાઉ સુધરાઈના જંગમાં વિજેતા થયેલા ચેતન શાહને ફરી ટિકિટ ફાળવી છે, તો ભાજપે પણ જીવદયા ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર જૈન સમાજના અગ્રણી અને અગાઉ
નગરસેવક રહી ચૂકેલા કૌશલ મહેતા પર વિશ્વાસ મૂક્યો છે, જેથી આ
વોર્ડ પણ રસપ્રદ જંગનો સાક્ષી બનશે. - ઈતિહાસ પર એક નજર : વર્ષ 1950માં બરોમાંથી
ભુજ નગરપાલિકાનો દરજ્જો મળ્યો અને વર્ષ 1971-72 બાદ વિવિધ પક્ષોની સ્થાપના થઈ. શરૂઆતે કોંગ્રેસનું શાસન રહ્યું, ત્યારબાદ 1985થી ભાજપે સત્તા હાંસલ કરી જે
2025 સુધી કાયમ રહી છે. આ દરમ્યાન
વર્ષ 2000માં ભાજપ તરફથી દેવરાજ ગઢવીએ
કોંગ્રેસના ગઢ લેખાતા વોર્ડ નં.- 1માં ટિકિટ મેળવી અને
જીત સાથે વોર્ડમાં ભાજપનું ખાતું ખોલાવ્યું,
ત્યારબાદ વોર્ડ નં.-એકથી ત્રણ કોંગ્રેસના ગઢ લેખાતા, પણ ફરી વર્ષ 2017માં ભાજપને
બેઠક મળી, તો વર્ષ 2003માં વોર્ડ નં.-3ની ચારેચાર બેઠક ભાજપે અંકે કરી લીધી અને
કોંગ્રેસના ગઢ લેખાતા ત્રણે વોર્ડમાં વિપક્ષની ક્રમશ: બેઠકો ઘટતી ગઈ, પણ કોંગ્રેસે સતત લડત કરી અને વર્ષ 2021માં વોર્ડ નં. 10માં એક બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી. - પક્ષોમાં તોડજોડ - નારાજગી
: હવેનાં રાજકારણમાં સામ - દામ - દંડ - ભેદની
નીતિ પ્રવેશી ગઇ છે. પહેલા ચૂંટણી સમયે સંબંધોની દુહાઇ દઇ પ્રતિસ્પર્ધીને જંગ ન લડવા
પ્રયાશ થતા, પણ હવે આખો માહોલ બદલી
ગયો છે. મુખ્ય પક્ષો સહિત આપશી હુંસાતુંશી, ટિકિટ ન મળ્યાના મનદુ:ખ
વિ. બાબતો પક્ષને યેનક્રેન પ્રકારે નુકસાન પહોંચાડી રહી છે. ચૂંટણીમાં ખાસ કરીને ભાજપમાં
ટિકિટ બાબતે અંદરખાને નારાજગી છે, વિશેષ તો પરિવારમાં ભૂતકાળના
રેકર્ડ સહિત ત્રણ વર્ષ ચૂંટાયા હોય એમને ટિકિટ ન ફાળવવાના નિર્ણયે કચવાટ સર્જ્યો હતો.
કેટલાક સક્રિય કાર્યકરોનો ગણગણાટ હતો કે આવો નિયમ માત્ર ભુજમાં જ શા માટે ?
ટિકિટોનાં સોગઠાં ગોઠવવા માટે ? કોંગ્રેસે ઉમેદવારો
કાયમ રહે તે માટે અંતીમ સમયે ચૂંટણી જંગમાં ઊતરનારાઓનાં નામ જાહેર કર્યાં તેવું ચૂંટણીરસિયાઓમાં
ચર્ચાઇ રહ્યું છે. ખરેખર તો એક વખત ફોર્મ ભરનાર અયોગ્ય કારણોસર ફોર્મ પરત ખેંચે તો
તેની સામે કાયદેસર કાર્યવાહી થાય તેવો ખુદ ચૂંટણીપંચે જ નિયમ ઘડવો જોઈએ. બાકી તો ચૂંટણી
દરમ્યાન ભાજપ - કોંગ્રેસમાં આયારામ - ગયારામ ચાલવાનું જ છે. - બાયપાસ, રોડ વિસ્તૃતીકરણ, પાણીનાં
કામો જંગી જીત અપાવશે : ભુજના ધારાસભ્ય કેશુભાઇ
પટેલે નગરપાલિકામાં જંગી જીતનો વિશ્વાસ વ્યકત કરતાં કહ્યું કે, શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે સુખપરથી
શેખપીરના બાયપાસ માર્ગ હેતુ સર્વેનું કામ ચાલી રહ્યું છે, એ જ
રીતે રિંગરોડની જાળવણીની જવાબદારી માર્ગ - મકાન વિભાગને સોંપાયા બાદ 115 કરોડના રોડ વિસ્તૃતીકરણનાં
કામો ચાલી રહ્યાં છે. આ રોડ એટલા પહોળા બનશે કે આગામી 25 વર્ષ સુધી ટ્રાફિકનો પ્રશ્ન
નહીં રહે. પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે લેર ડેમમાં નર્મદાનું પાણી સંગ્રહ કરવાનું
આયોજન છે. આ ઉપરાંત શહેરના આંતરિક માર્ગોમાં સમારકામ, પેવરબ્લોક લગાવવા સહિતનાં કામો થકી ભાજપ નગરપાલિકામાં
જીત મેળવશે એ નિશ્ચિત હોવાનો વિશ્વાસ શ્રી પટેલે વ્યકત કર્યો હતો. પ્રચાર દરમિયાન જે
પ્રકારે આવકાર મળી રહ્યો છે તે જોતાં વિપક્ષના સૂપડા સાફ થાય તેવી સ્થિતિ નગરપાલિકા
માટે દેખાઇ રહી છે. - વિપક્ષના ગઢ લેખાતા વોર્ડના મતદારોનો ઝુકાવ ભાજપ તરફી : 1985થી સત્તામાં આવ્યા બાદ ભાજપે
ભુજ શહેરમાં કરેલા અને આગામી દિવસોમાં થનારાં વિકાસકામો ધ્યાને લઈ કોંગ્રેસના ગઢ લેખાતા
વોર્ડના રહેવાસીઓનો ઝુકાવ પણ ભાજપ તરફ હોવાનો દાવો ચૂંટણી નિરીક્ષક અને પક્ષના મોવડી
એવા દેવરાજ ગઢવીએ દાવો કરી જણાવ્યું કે, ધારાસભ્યના પ્રયાસથી પીવાનાં પાણીમાં કટોકટી સમયે લોકોને હાલાકી ન ભોગવવી પડે
તે માટે લેર ડેમમાંથી પાણી મેળવવાનું આયોજન આગળ વધી રહ્યું છે. ગટર સમસ્યાના ઉકેલ માટે
કરોડોના ખર્ચે નવી લાઈનોનું કામ ચાલુ છે. ભૂકંપ બાદ બનેલા માર્ગોને હવે નવું રૂપ આપવા
સાથે પહોળા પણ કરાઈ રહ્યા છે, જેથી ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે.
અનેક પ્રવાસન સ્થળો વિકસ્યા અને હજુ નવા વિકસાવાશે, તેવું જણાવી
શ્રી ગઢવીએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર, સાંસદ,
ધારાસભ્ય સહિત પક્ષના દરેક હોદ્દેદારો, સભ્યો ભુજવાસીઓની
સમસ્યા હલ કરવા, નવી સુવિધાઓ વિકસાવા કટિબદ્ધ હોવાથી આ વખતે જંગી
બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. - 40 સાલ ભાજપના નિરંતર શાસનથી
ભુજ બેહાલ : શહેરમાં વિવિધ સમસ્યાઓને
પગલે 40 સાલ ભુજ બેહાલ, ભ્રષ્ટાચાર હટશે તો ભુજ જીતશેના સંકલ્પપત્ર
સાથે આગળ વધતા કોંગ્રેસના ચૂંટણી ઈન્ચાર્જ નવલસિંહ જાડેજાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું
કે, સુધરાઈના શાસકોથી લોકો ત્રસ્ત છે. રસ્તા, પાણી, ટ્રાફિક, અન્ય માળખાંકીય
સુવિધાઓના અભાવે લોકોને પારાવાર પરેશાની ભોગવવી પડે છે. ગટર સમસ્યાએ તો વર્ષોથી ભુજવાસીઓના
નાકે દમ લાવી દીધો છે. નગરપાલિકા પર પાણીનું બિલ 200 કરોડ, પીજીવીએલનું
કરોડોનું લેણું છે, નર્મદાથી પૂરતું પાણી અપાય છે, પણ ભુજ સુધી તે પહોંચતું નથી, સફાઈનો અભાવ આ તમામ પ્રશ્નોથી
લોકો વર્ષોથી પરેશાની ભોગવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસને સત્તા
મળશે તો આ તમામ પ્રશ્નો હલ કરાશે તેમ જણાવી શ્રી જાડેજાએ ઉમેર્યું કે, પાણીના વિકલ્પ રૂપ ધુનારાજા ડેમમાં ખાણેતરું કરાશે, જેથી
વધુ માત્રામાં પાણી સંગ્રહ કરી શકાય, નવી શરતના પ્લોટ જૂની શરતમાં
ફેરવવા અને પ્રીમિયમ માફ કરાવવા લડત કરાશે. સિટીબસ સેવા પ્રારંભ કરાવાશે, ટેક્સમાં રાહત, કુશળ કર્મીઓની ભરતી, દબાણો દૂર કરાશે, તેવી ખાતરી પણ ઉચ્ચારી હતી. - સાચો વિરોધપક્ષ
`આપ' જ છે : આપના ઉમેદવારો લોકોના મુદ્દા સાથે જ ચૂંટણી જંગમાં ઊતર્યા છે, તેવું આપના પશ્ચિમ કચ્છના પ્રભારી અને પક્ષ
અગ્રણી ડો. નેહલ વૈદ્યે જણાવી ઉમેર્યું કે, નગરપાલિકાનું જે કામ
છે તે નૈતિકતાથી કરે. જેમ કે, લાઇટ, પાણી,
રસ્તાની યોગ્ય સુવિધા આપવી, હમીરસર, દેશલસર તળાવ, બાગબગીચાની સફાઇ કરવી. તેમણે વધુમાં ઉમેર્યું
કે, અત્યાર સુધી જે ચૂંટણી થાય છે અને જે રાજકારણ છે તેમાં ભાજપ
- કોંગ્રેસ માત્ર લડતા દેખાય છે. તેના માટે હિન્દી શબ્દ છે નૂરાકુસ્તી. ખરેખર બન્ને
પક્ષ એક જ રીતે કામ કરે છે. ભૂતકાળ જોઈએ તો અનેક મૂળ કોંગ્રેસી ભાજપમાં જતા રહ્યા છે
અને ભુજ ભાજપનું કોંગ્રેસીકરણ થઇ ગયું છે તેમ કહેવું જરાય અતિશયોકતી નથી. સાચો વિરોધ
પક્ષ તો આપ છે. લોકશાહીમાં જ્યાં સુધી મજબૂત વિરોધ પક્ષ નહીં હોય ત્યાં સુધી સત્તા
પક્ષ કામ નહીં કરે, જેનું ઉદાહરણ ભુજ શહેર છે. હવે ભુજ શહેરને
મજબૂત વિપક્ષની જરૂર છે, જેથી લોકો આપને ટેકો આપે તો જ સમસ્યાઓનો
ઉકેલ આવશે.