• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

અંજાર તાલુકો : ભાજપની બાજી ફેરવવા મથતી કોંગ્રેસ

ઉદય અંતાણી-રશ્મિન પંડયા દ્વારા : અંજાર, તા. 23 : 67 ગામડાં ધરાવતા અને છેલ્લા અઢી દાયકાથી રાજ્યના રાજકારણમાં દબદબો ભોગવતા અંજાર તાલુકાની જિલ્લા પંચાયતની ચાર બેઠક અને તાલુકા પંચાયતની 20 બેઠક ઉપર પુન:સત્તા મેળવવા શાસક ભાજપને ગ્રામ્ય વિસ્તાર માટે રાજ્યની યોજનાઓ થકી ક્લીનસ્વીપ કરવાની આશા છે, તો વિપક્ષ કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારમાં ગૌચરનો અભાવ, ખેડૂતો ઉપર અત્યાચાર, આરોગ્ય, શિક્ષણની સુવિધાઓનો અભાવ સહિતના મુદ્દા આગળ ધરીને ભાજપનો ગઢ જમીનદોસ્ત કરવા માટે કવાયત આદરી છે. મહત્તમ આહીર જ્ઞાતિના પ્રભુત્વ ધરાવતા આ તાલુકામાં સીમાંકનને ધ્યાનમાં રાખીને સત્તાધારી પક્ષોએ જ્ઞાતિ સમીકરણો ગોઠવ્યા છે. તાલુકા પંચાયતની વિરા બેઠક બિનહરીફ થતાં હવે 19 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. - શાસનનો ઈતિહાસ : જિલ્લા પંચાયતની ચાર બેઠક પૈકી બે બેઠક ઉપર કોંગ્રેસ તો બે બેઠક ઉપર ભાજપે જીત મેળવી હતી, તાલુકા પંચાયતમાં પ્રતિવર્ષ સત્તા પક્ષની બેઠકોમાં સતત વધારો થતો આવ્યો છે. વર્ષ 2015માં ભાજપને પાતળી બહુમતી મળી હતી, પરંતુ 2021માં રામમંદિર નિર્માણ સહિતના મુદ્દે ભાજપને 15, જ્યારે કોંગ્રેસને પાંચ બેઠક ઉપર સંતોષ માનવો પડયો હતો. - સીમાંકનમાં ફેરબદલ : જાન્યુઆરી 2025માં ગાંધીધામને મહાનગરપાલિકા બનાવવામાં આવતાં અંજાર તાલુકાનો મેઘપર-બોરીચીકુંભારડીનો વિસ્તાર એમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. આ સાથે મેઘપરની જિલ્લા પંચાયતની એક અને તાલુકા પંચાયતની બે બેઠકમાં ઘટાડો થયો હતો. તેની સામે જિલ્લા પંચાયતની વરસામેડી બેઠક નવી થઇ છે, જેમાં મેઘપરના જ ગ્રામ્ય વિસ્તાર છે, તાલુકામાં મેઘપરની બે બેઠક સામે સતાપર અને સિનુગ્રા નવી બેઠક થઇ, જેથી તાલુકા પંચાયતની બેઠકો 20 જ રહી છે. 50,506 પુરુષ મતદારો અને 47,730 ત્રી મતદારો સાહિત 98,236 મતદારો મત અધિકારનો ઉપયોગ કરશે. - મતદાન વધશે : સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સાથોસાથ લગ્ન પ્રસંગનો પણ પણ માહોલ જામ્યો છે. ધંધા- રોજગાર અર્થે અન્ય શહેરમાં વસવાટ કરતા લોકો પણ અહીં હોવાથી તાલુકાનાં ગામડાંઓ ગાજી રહ્યા છે, જેનાં કારણે મતદાનના વધારો થશે તેવી આશા રાજકીય પક્ષો સેવી રહ્યા છે. - સભા અને બેઠકો : ચૂંટણીમાં રાત ઓછી અને વેશ ઝાઝા જેવી સ્થિતિ છે. આ વખતે રાજકીય પક્ષો દ્વારા તાલુકાના 66 ગામડાંમાં મતદારો સુધી પહોંચવા સભા અને બેઠકોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગરમીના વધતા પ્રભાવ વચ્ચે પણ ગ્રામ્ય વિસ્તારમાં સભાઓનું આયોજન કરાય છે. જો કે, પ્રદેશ કક્ષાના ખાસ કોઈ નેતાઓની સભા યોજવામાં આવી નથી. અંજાર ધારાસભ્ય કાર્યાલય ખાતે સભાનાં આયોજન અંગેની તૈયારી અંગેનો ધમધમાટ જણાયો હતો, જ્યારે કોંગ્રેસના કાર્યકરો ગ્રામ્ય વિસ્તારમાં મતદારો સુધી પહોંચવામાં રોકાયેલા હતા. - મોડસર બેઠક હોટફેવરિટ : અંજાર તાલુકા પંચાયતની મોડસર બેઠક પ્રતિષ્ઠાનો જંગ બની રહી છે. આ બેઠક ઉપર આહીર સમાજના જ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. ભાજપ-કોંગ્રેસ બંને પક્ષ આ બેઠક પોતે જીતશે તેવા દાવા કરી રહ્યા છે. - ગ્રામ્ય વિસ્તારમાં મિશ્ર માહોલ : તાલુકા પંચાયતનો ચૂંટણી જંગ જીતવા માટે પ્રચાર-પ્રસાર બંને રાજકીય પક્ષો દ્વારા વ્યાપક તરીકે કરવામાં આવી રહ્યો છે, પરંતુ ગ્રામજનોમાં ચૂંટણી પ્રત્યે નીરસ માહોલ હોવાની વાત બહાર આવી હતી. કોંગ્રેસનો ગઢ ગણાતી અંજાર તાલુકાની ભીમાસર જિલ્લા પંચાયત બેઠક ઉપર હાલ સૌની નજર મંડાયેલી છે. આ બેઠક ઉપર જે ઉમેદવાર જીતશે તેને જિલ્લા પંચાયતનું સુકાન પદ મળશે. સત્તા પક્ષ ભાજપે આ જ જ્ઞાતિના ભચાઉ તાલુકાની સામખિયાળી જિલ્લા પંચાયત બેઠક ઉપર મહિલા ઉમેદવારને ઊભા રાખ્યા છે. ભીમાસરનું પરિણામ શું આવશે તે આગામી 28 તારીખે મહત્ત્વનું રહેશે. - અંજાર તાલુકાએ માત્ર વિકાસની વાતને જ સ્વીકારી છે : રાજ્યમંત્રી : અંજાર, તા. 23 : 2010 પછી ભાજપની અંજાર તાલુકા પંચાયત-જિલ્લા પંચાયતની સીટોમાં સતત વધારો થયો છે, તે બાબત વધુ લોકોના વિશ્વાસ સંપાદન થયા હોવાનું દર્શાવે છે. આ તાલુકાએ માત્ર અને માત્ર વિકાસની વાતને સ્વીકાર્યું છે, તેવું રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું. ગત વર્ષની તુલનાએ ત્રણેક બેઠક વધુ સહિત 18 બેઠક ઉપર જીતનો વિશ્વાસ વ્યક્ત કરતાં રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, તાલુકાના રસ્તા, શિક્ષણ, આરોગ્ય સહિતની બાબતોમાં સાર્વત્રિક વિકાસની દિશામાં કેન્દ્ર, રાજ્ય અને તાલુકા પંચાયતોએ પ્રયાસ કર્યા છે. અંજાર સરકારી કોલેજ ઉપરાંત ફિનોગ્રામ કૃષિ કોલેજ, પોલીટેકનિક કોલેજને મંજૂરી આપવામાં આવી. સતાપર ખાતે આવેલી ગોવર્ધન પર્વતને પ્રવાસનધામ તરીકે વિકસાવવા માટે 19 કરોડની જોગવાઈ, 127 કરોડના ખર્ચે અંજાર બાયપાસ, લિફ્ટ સહિતની સુવિધા સાથે 25 કરોડના ખર્ચે સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું બિલ્ડિંગ સહિતના તાલુકામાં વિકાસકાર્યો થયાં છે.  શૈક્ષણિક ક્ષેત્રે ભુજ બાદ માત્ર અંજારમાં જ સરકારી પોલીટેકનિક કોલેજ મંજૂર થઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું. સાર્વત્રિક વિકાસથી તાલુકા પંચાયતનો ગઢ ભાજપ જાળવી જ રાખશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.- માઈક્રો મેનેજમેન્ટથી જીત : ધારાસભ્ય કાર્યાલય ખાતે મળેલા તાલુકા ભાજપ પ્રમુખ બી.એન. આહીરે માઇક્રો મેનેજમેન્ટ અને વિકાસકામો, ગ્રામ્ય વિસ્તારમાં થયેલાં કામો થકી તાલુકા પંચાયતનું સુકાન ગત વર્ષ કરતાં વધુ બેઠક સાથે ભાજપને મળશે તેવી લાગણી વ્યક્ત કરી હતી તેમજ જિલ્લા પંચાયતની તમામ બેઠક ઉપર વિજય થશે.  ગૌપોષણ યોજના સહિતની સરકારની યોજનાઓ શાસનધૂરા મેળવવામાં મહત્ત્વનો ભાગ ભજવશે. તેમણે કહ્યું હતું કે, વિવિધ સભામાં વ્યાપક પ્રતિસાદ સાપડી રહ્યો છે. કાર્યકરોની ફોજ અને વિવિધ વ્યવસ્થાપન સાથે મતદારો સુધી ભાજપ પહોંચી ચૂક્યો હોવાનું કહ્યું હતું. તેમણે 17થી 18 બેઠક મળવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. - સામાન્ય પ્રજાનાં મન જીતી કોંગ્રેસ અંજાર તાલુકામાં શાસન મેળવશે : અંજાર, તા. 23 : તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલે લોકોનાં મન જીતીને અંજાર તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા માટેના પ્રયાસ આદર્યા હોવાનાં પ્રચારકાર્ય વચ્ચે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હું જ્યારે પ્રમુખ હતો ત્યારે ઓફિસ ખુલ્લી રહેતી હતી, કચેરીમાં લોકોના પ્રશ્નોનું સમાધાન થતું હતું. વર્તમાન સમયમાં ભાજપ દ્વારા ખેડૂતો ઉપર અત્યાચાર કરાઈ રહ્યા છે, અહંકારી સરકાર વાત સાંભળતી નથી, નાના ગરીબ ખેડૂતોનાં કામો થાય, યોજનાઓના લાભ તેમના સુધી પહોંચે તે માટે લોકોના દિલ જીતવા પ્રયાસ કરાઈ રહ્યા છે.  કોંગ્રેસને ઉમેદવારો ન મળ્યા હોવાના સત્તા પક્ષના આક્ષેપ અંગે તેમણે કહ્યું હતું કે, ભીમાસર બેઠક ઉપર પ્રમુખ પદના ઉમેદવારની હારના ડરથી ભાજપે સામખિયાળીમાં સામાન્ય ઉમેદવારના હક ઉપર તરાપ મારી આદિજાતિ મહિલાને ટિકિટ આપી છે. અંજાર તાલુકામાં કોંગ્રેસ 12થી 13 બેઠક સાથે કમબેક કરશે, તેવું તેમણે જણાવ્યું હતું. - પાયાની સુવિધાનો અભાવ : વર્ષ 2021માં પાંચ બેઠક મેળવ્યા બાદ આ વખતે ગ્રામ્ય વિસ્તારના પાયાના પ્રશ્નો ઉપાડીને સત્તાનું સુકાન મેળવવા માટે કોંગ્રેસ સક્રિય થઈ હોવાનું તાલુકા કોંગ્રેસ પ્રમુખ શંભુભાઈ ડાંગરે જણાવ્યું હતું. સંઘડ ખાતે પ્રચારકાર્યમાં રહેલા તાલુકા કોંગ્રેસ પ્રમુખે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે, તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાયાની સુવિધાઓનો અભાવ, શિક્ષકોની ઘટ, આરોગ્ય, કર્મચારીની ઘટ, ગૌચર જમીનો રહી જ નથી તેમ જ નીમ કે માપણી કરવાની કામગીરી પણ નથી કરાઈ. આ તમામ મુદ્દા મતદારો સમક્ષ લઈને કોંગ્રેસ મેદાનમાં ઊતરી હોવાનું તેમણે જણાવ્યું હતું. 

Panchang

dd