બાળકોનું નિર્દોષ હાસ્ય, પાનાઓના ખડખડ અવાજ અને સપનાઓની ગુંજ છે એ જગ્યા કોઈ નિશાળ કે બગીચો નહીં,
પરંતુ એક પુસ્તકાલયની છે. આ અનુભવ અબડાસા તાલુકાના તેરા સ્થિત સોમૈયા
પુસ્તકાલયનું દસ્તાવેજીકરણ કરવા આવેલા એક બહેનનો છે. આ હેરિટેજ પુસ્તકાલયમાં 7000થી વધુ પુસ્તકનો ખજાનો છે.
ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને
કચ્છી ભાષાના સાહિત્યથી ભરપૂર આ સ્થળે અખબારો-પુસ્તકોનું દૈનિક વાંચન થાય છે,
શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસ ઉપરાંત ઇન્ટર્ન ફેલો યુવાઓની ફિલ્ડ ટ્રીપ
ડેસ્ટીનેશન તરીકે હોટ ફેવરિટ છે આ પુસ્તકાલય. મુંબઈ જેવાં અતિવ્યસ્ત સિટીમાં શાંત વાંચન
ક્રાંતિનું કિતાબ ખાના અગર ધમધમતું હોય તો અબડાસાના ગામની આ લાયબ્રેરી કેમ નહીં
? આ અનોખી પહેલ પાછળ સોમૈયા ટ્રસ્ટના સમીરભાઈ, અમિતાબેન, લીલાબેન, અમ્રિતાબેન,
મિતેનભાઈની વૈચારિક મૌન ક્રાંતિ જવાબદાર છે. - વિચાર કઈ રીતે આવ્યો? : સમીરભાઈએ મુંબઈના 150 વર્ષ જૂનાં સોમૈયા ભવનમાં 2011માં શરૂ કરેલાં કિતાબ ખાનાએ
બતાવ્યું કે, વાંચનને અનુભવ બનાવી શકાય.
વિશાળ બે માળનાં એ કિતાબ ખાનાએ અત્યાર સુધીમાં લાખો પુસ્તકના સંગ્રહ સાથે લાખો પ્રવાસીને
આકર્ષિત કર્યા છે અને એ જ સફળતાએ પોતાના વતન કચ્છમાં અમલી કરવાના ટ્રસ્ટના નિર્ણયે
વાંચન ક્રાંતિની શરૂઆત કરી દીધી છે. જૂનાં અને જર્જરિત મકાનોને રિનોવેટ કરીને લાયબ્રેરીમાં
ફેરવવાનો અનોખો પ્રયાસ છેલ્લા એક દાયકામાં તેરા બાદ રોહા (સુમરી) અને કોટડી (મહાદેવપુરી)માં
મૂર્તિમંત થઇ ચૂક્યો છે, પરંતુ આવાં કુલ 100 પુસ્તકાલય બનાવવાનો નિર્ધાર
છે. આ લાયબ્રેરીઓની સૌથી મોટી ખાસિયત એ છે કે, મિતેનભાઈ સચદે (ટ્રસ્ટી) જણાવે છે કે, વાંચન માત્ર જ્ઞાન
નહીં વિચારવાની ક્ષમતા વિકસાવે છે, જે આજના ડિજિટલ યુગમાં ક્ષીણ
થતી જાય છે. ગામડાંમાં આવી લાયબ્રેરીઓ ભવિષ્ય ઘડશે. પરંપરાગત કચ્છી સ્થાપત્યનાં જતન
સાથે સાહિત્ય વારસાને જાળવી રહ્યા છીએ. આ રીતે એક જ સ્થળ ઇતિહાસ અને ભવિષ્ય બંને સાથે
ઘડાશે. કોટડી (મહાદેવપુરી)માં પુસ્તકાલય માટે અમારા લીલાફઈએ જગ્યા આપી, જેનું ડિસેમ્બર-2025માં કામ પૂર્ણ
થઇ ગયું અને અગામી સાયરા ગામમાં કામ શરૂ કરીશું.
વિશ્વ પુસ્તક દિવસ પર ઇમારતો સાથે વિચારોને જીવંત કરતી સોમૈયા ટ્રસ્ટની આ પહેલ
આપ સમક્ષ રજૂ કરી વાંચનને ફરીથી જીવનનો ભાગ બનાવવા નમ્ર અપીલ કરીએ છીએ.