• મંગળવાર, 31 માર્ચ, 2026

પંજાબ-ગુજરાતની ટક્કરમાં કપ્તાન શ્રેયસ અને શુભમન પર નજર

ન્યૂ ચંડીગઢ, તા. 30 : ભારતીય ટી-20 ટીમની બહાર ચાલી રહેલ શુભમન ગિલ અને શ્રેયસ અય્યર જ્યારે આઇપીએલના મંગળવારે રમાનાર મેચમાં આમને-સામને હશે, ત્યારે તેમનું લક્ષ્ય ટીમને વિજય અને ખુદને સાબિત કરવાનું હશે. ગિલ ગુજરાત ટાઇટન્સનો અને શ્રેયસ પંજાબ કિંગ્સનો કપ્તાન છે. બંને ટીમની નજર સિઝનની શરૂઆત વિજય સાથે કરવા પર રહેશે. શુભમન ગિલ ભારતનો ટેસ્ટ અને વન-ડે કેપ્ટન છે. તેને ટી-20માં ઉપકપ્તાન બનાવવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તે ટી-20 વિશ્વકપ ટીમની બહાર થઇ ગયો હતો. વર્ષ 2023 બાદ આઇપીએલમાં ગિલથી વધુ રન ફક્ત વિરાટ કોહલીએ બનાવ્યા છે. જો કે, ગિલની નજર હવે ફોર્મ ઉપરાંત સ્ટ્રાઇક રેટ પર છે. આ ફોર્મેટની તેની સ્ટ્રાઇક રેટ 138 છે. ગુજરાત ટાઇટન્સના બેટિંગ કોચ મેથ્યૂ હેડન બન્યા છે. આથી ગિલની બેટિંગ સ્કીલમાં ફેરફાર જોવા મળી શકે છે. ગુજરાત ટાઇટન્સની બેટિંગ ધરી શુભમન ગિલ, સાઇ સુદર્શન અને જોસ બટલર છે. બટલર ટી-20 વર્લ્ડ કપમાં ફ્લોપ રહ્યો હતો. તે આઇપીએલ થકી ફોર્મ વાપસી માટે કોશિશમાં રહેશે. બોલિંગ મોરચે જીટી પાસે સિરાજ અને પ્રસિદ્ધ જેવા અનુભવી ભારતીય બોલર છે. વોશિંગ્ટન સુંદર પણ છે.  બીજી તરફ પંજાબ કિંગ્સ ગત સિઝનમાં ફાઇનલમાં પહોંચીને પહેલો ખિતાબ ચૂકી હતી. પંજાબના કપ્તાન શ્રેયસ અય્યરના દેખાવ પર ટીમ ઘણી નિર્ભર રહે છે. આ ઉપરાંત પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્ય જેવા સારા આક્રમક ઓપનિંગ બેટર્સ તેની પાસે છે. શશાંક સિંહ ટીમનો છૂપો રૂસ્તમ છે. જ્યારે પંજાબ માટે અર્શદીપ અને ચહલ બે એવા બોલર છે જે કોઇ ટીમની બેટિંગ લાઇન-અપને  ભીંસમાં  લઇ  શકે છે.

Panchang

dd