• મંગળવાર, 31 માર્ચ, 2026

રોકાણકારોના 9.74 લાખ કરોડ સ્વાહા

મુંબઇ, તા. 30 : પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને ક્રૂડ તેલમાં ભાવવધારાથી ગભરાટના માહોલમાં ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફટીએ મોટા ઘટાડા સાથે 2025-26ના નાણાકીય વર્ષને વિદાય આપી હતી. સેન્સેક્સ 2.22 ટકા અથવા 1635.67 અંક જેવો ગગડી 71 હજારની નીચે બંધ આવતાં રોકાણકારોની 9.74 લાખ કરોડની મૂડી ધોવાઇ હતી. નિફટીએ 2.14 ટકા અથવા 488.20 અંકનો ઘટાડો ખમી 22331.40 બંધ આવ્યો હતો. આજના કારોબારી સત્રની સમાપ્તિ સાથે જ નાણાકીય વર્ષ 2025-26નો પણ અંત આવ્યો હતો. સમગ્ર નાણાકીય વર્ષના સેન્સેક્સમાં 5.3 ટકા અને નિફટીમાં 3.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. વર્ષ 2020 બાદ શેરબજારનું આ સૌથી ખરાબ પ્રદર્શન છે. સતત બીજા દિવસે 30 શેરનો બીએસઇ સેન્સેક્સ 1635.67 અંક તૂટીને 71947.55 બંધ આવ્યો હતો. કારોબાર દરમ્યાન તે 1809.09 અંક અથવા 2.45 ટકા જેટલો નીચે સરકી 71774.13ને સ્પર્શ્યો હતો. બીએસઇમાં સૂચિબદ્ધ કંપનીઓનું કુલ માર્કેટ કેપ આજે ઘટીને 412.44 લાખ કરોડ થયું હતું જે ગઇકાલે 422.15 લાખ કરોડ હતું. આ રીતે  રોકાણકારોની સંપત્તિમાં 9.71 લાખ કરોડનો મોટો ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2025-26ના કામકાજના છેલ્લા દિવસે ઈરાન સાથેના ઇઝરાયલ-અમેરિકાના યુદ્ધમાં વધુ પક્ષકારો જોડાવાના સમાચારે, ગલ્ફ દેશોમાંની એલ્યુમિનિયમ નિકાસ સવલતોને નુક્સાનના ન્યૂઝે, હોર્મુઝ સમુદ્રધુનિ ઉપરાંત અન્ય જળમાર્ગો પણ હુતી બળવાખોરો યુદ્ધમાં જોડાવાનાં કારણે બંધ થવાના ડરે અને સૌથી વધુ તો આરબીઆઇએ બેન્કો માટે ઓનશોર ફોરેક્સ માર્કેટમાં એક્સપોઝરની લિમિટ બાંધી વધારાના ઓળિયા સરખા કરવાની મુદતની જાહેરાત કરવાનાં પગલે બેન્કોને થનારા નુક્સાનની ગણતરીએ બેન્કોમાં આવેલી વેચવાલીનાં કારણે બજારે મોટી ડૂબકી મારી હતી.

રૂપિયાને ઘસારો; 95ને પાર થયો

મુંબઈ, તા. 30 : અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની અસર હેઠળ ક્રૂડતેલની કિંમતોમાં આવેલા ઉછાળાએ ભારતીય ચલણને ઘસારો આપ્યો છે. ડોલર સામે વધુ 88 પૈસા તૂટીને રૂપિયો 95.58 સાથે 95ને પાર પહોંચી ગયો હતો. રૂપિયો સોમવારે સર્વકાલીન તળિયે ગગડી જતાં દેશના સામાન્ય માણસને મોંઘવારીનો માર પડશે. મોબાઈલ, સોનાં-ચાંદી તેમજ વિદેશોમાંથી આયાત થતી સામગ્રી ખરીદવી મોંઘી પડશે. એક મહિનામાં રૂપિયાને લગભગ ચાર ટકાનો ઘસારો લાગ્યો છે. 2025-26નાં નાણાંવર્ષ દરમ્યાન ભારતીય ચલણ 10 ટકાથી વધુ ગગડી ચૂક્યું છે. આ છેલ્લાં 14 વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. વિદેશી બ્રોકરેજ ફર્મ `બર્નસ્ટીન' દ્વારા અનુમાન અનુસાર યુદ્ધ જારી રહેશે તો રૂપિયો છેક 98 રૂપિયા સુધી જશે. જો કે, ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ ફોરેક્સ પોઝિશન લિમિટ સખત કરીને રૂપિયાને સંભાળવાની કોશિશ કરી હતી, પરંતુ વિદેશી રોકાણકારોએ ભંડોળ પાછું ખેંચતાં બજારમાં તેની ઓછી અસર થઈ હતી. ડોલરની માંગ વધવા સાથે રૂપિયા પર દબાણ વધતાં વિદેશી યાત્રાઓ તેમજ વિદેશમાં અભ્યાસ મોંઘા બનશે. બીજી તરફ રૂપિયામાં ઘટાડાનો ફાયદો નિકાસકારોને થશે. આઈટી, ફાર્મા અને કાપડનાં ક્ષેત્રની કંપનીઓને ડોલરમાં કમાણી થશે.

Panchang

dd